ગીર ગઢડામાં બુટલેગરો જાણે બેફામ બન્યા હોય અને જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. તેમાં આજે એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બુટલેગરોએ દારૂ સંતાડવા સ્પેશિયલ એક ચોરખાનું બનાવ્યું. એ પણ જમીનની અંદર જ્યાં કોઈને ભાળ પણ ન થાય કે અહીંયાં કોઈએ વસ્તુ સંતાડી હશે. ત્યારે બેડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂની હેરફેરની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે, તે સંતાડેલા દારૂની હેરાફેરી થવાની છે. તે પહેલાં જ એલસીબીએ દરોડો પાડી 15 લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા.
દારૂ સંતાડવા બુટલેગરોએ જમીનને નીચે ચોરખાનું બનાવ્યું
ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ.15 લાખની કિંમતનો 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો દમણના શખ્સે મોકલેલો હતો. જે અમરેલીના સાવરકુંડલાના શખ્સને આપવાનો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છૂપો રહે તે માટે બુટલેગરે ચતુરાઈપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં ખાડા જેવું નજરે પડતા અંદાજે 6 બાય 4ની સાઈઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો, જેને એલસીબીએ શોધી કાઢ્યો હતો. આ મામલે પોલીસે પકડેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગરો દારૂની હેરાફેરી કરવાની ફિરાકમાં જ હતા
વિદેશી દારૂની હેરફેરની પ્રવૃત્તિ ડામી દેવા પોલીસ વિભાગ હરક્તમાં આવી કામગીરી કરી રહ્યું છે. ત્યારે ગતરાત્રીના વિદેશી દારૂની હેરફેરના રેકેટનો પર્દાફાશ થયો છે. જે અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબીના પ્રવીણ મોરી, રાજુ ગઢિયાને બાતમી મળેલી કે, ઉમેજ ગામના કુખ્યાત બુટલેગર દીપુ જાદવે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. જેની તે હેરાફેરી કરવાની ફિરાકમાં છે. જેના આધારે એલસીબીના પીઆઈ એ.એસ.ચાવડા, પીએસઆઈ વી.કે. ઝાલાએ સ્ટાફના નરેન્દ્ર કછોટ, રામદેવસિંહ જાડેજા, પ્રફુલ વાઢેર, શૈલેષ ડોડિયા સહિતના સ્ટાફ સાથે ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં દીપુની વાડીએ દરોડો પાડ્યો હતો.
નવા બની રહેલા મકાનની બાજુમાં જ ખાડો બનાવ્યો
ત્યારે વાડીમાં પડેલા એક ટ્રેક્ટર ટ્રોલીમાં તાલપત્રી નીચે છુપાવેલો વિદેશી દારૂની 54 પેટીનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા પ્રથમ દૃષ્ટિએ દારૂનો જથ્થો મળતો ન હોવાથી વાડીએ હાજર ઉનાના ઉમેજ ગામનો કુખ્યાત બુટલેગર દીપક ઉર્ફે દીપુ ઉકા જાદવ તથા તેનો ભાણેજ સામેતર ગામનો સિદ્ધરાજ ગોહીલ બંનેની પૂછપરછ કરતાં વાડીના ખૂણામાં નવા બની રહેલા મકાનની બાજુમાં જમીનમાં બનાવેલું ચોરખાનું બતાવ્યું હતું. જેમાં તપાસ કરતા મોટો જથ્થો જોવા મળેલો જેને બહાર કાઢી ગણતરી કરતાં વિદેશી દારૂની 250 પેટી તથા 20 પેટી બીયરની મળી આવી હતી. આમ આ દરોડામાં કુલ વિદેશી દારૂની 304 પેટી તથા બીયરની 20 પેટીઓ મળી આવી હતી. જેની કુલ કિં. રૂ.15,07,200ના જથ્થા ઉપરાંત વાડીમાંથી દારૂની હેરાફેરી માટે રખાયેલા ટ્રેકટર-ટ્રોલી નંગ 3, બે મોબાઈલ મળી કુલ રૂ. 30.17 લાખના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો.
30 લાખના મુદ્દામાલ સાથે બંને આરોપીઓ પકડાયા
આ દારૂનો જથ્થો દમણના જગદીશ ઉર્ફે જગીએ પૂરો પાડેલો અને અમરેલી જિલ્લાના સાવરકુંડલાના સાગર લોહાણાએ મંગાવેલો હોવાનું પકડાયેલા બંને બુટલેગરોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે. જેના આધારે ગીરગઢડા પોલીસમાં 30 લાખના મુદ્દામાલ સાથે પકડાયેલા બંને કુખ્યાત બુટલેગરો દીપક ઉર્ફે દીપુ, સિદ્ધરાજ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર દમણના જગી અને મંગાવનાર સાવરકુંડલાના સાગર સામે ગુનો નોંધી આગળની તપાસ એલસીબી પીએસઆઈ વી.કે.ઝાલાએ હાથ ધરી છે.
આ ચોરખાનામાં એક વખતે એક જ વ્યક્તિ જઈ શકે
આ દરોડા અંગે એલસીબી પીઆઈ એ.એસ.ચાવડાએ જણાવેલ કે, ઉનાના ઉમેજનો કુખ્યાત બુટલેગર દીપક ઉર્ફે દીપુ જાદવે દારૂનો જથ્થો કોઈને મળી ન આવે તે માટે ચતુરાઈપૂર્વક વાડીમાં નવા બની રહેલા મકાનની બાજુમાં જ પ્રથમ દૃષ્ટિએ ખાડા જેવું નજરે પડે તેવું ચોરખાનું બનાવ્યું હતું. દરોડા સમયે એક તબક્કે અમે પણ એવું જ સમજ્યા હતા, પરંતુ વાડીમાં મોટો જથ્થો ઊતર્યો હોવાની પાકી બાતમી હોવાથી બુટલેગર દૂપુની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે જમીનમાં ધૂળથી ઢાકેલ હજમ ખાડા જેવું દેખાતું ચોરખાનું ખોલી બતાવ્યું હતું. જમીનમાં બનાવેલ આ ચોરખાનું અંદાજે 6 બાય 4ની સાઈઝનું હતુ. જેમાં 270 પેટી દારૂ બીયરનો જથ્થો છુપાવ્યો હતો. આ ચોરખાનામાં એક સમયે એક જ વ્યક્તિ ઊતરી શકે તેટલી જ પ્રવેશની જગ્યા હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.