ઊના પંથક ગીરજંગલ બોર્ડરની નજીક આવેલો હોવાથી અહીં વન્યપ્રાણીઓની અવર જવર સામાન્ય બની ગઈ છે. તેમાંય ખાસ કરીને રોઝ (નિલગાય)ના ત્રાસથી ખેડૂતો તોબા પોકારી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ ચોમાસુ નજીક છે ત્યારે ઘણા ખેડૂતો દ્રારા ચોમાસા પહેલા વાવેતર કરાયેલ છે. જેને કોળવાણ કહેવામાં આવે છે.
તે સીવાય પણ ચોમાસામાં વાવણી કાર્ય પહેલા ખેડૂતો પોતાની જમીનમાં માટી નાંખી જમીન સમથળ પણ કરતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોએ કોળવાણમાં મગફળીનું વાવેતર કર્યું હોય જેમાં રોઝના ત્રાસથી રાત ઉજાગરા કરવાનો વખત આવ્યો છે.
હાલ ખેડૂતો વાવેતર કરી સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે અને સારો પાક મળશે તેવી આશા સેવી રહ્યાં છે ત્યારે છેલ્લા દિવસોથી રોઝ પણ ટોળાના રૂપમાં આવતા હોય તેમ એક સાથે 15 થી 20 રોઝનું ઝુંડ ખેતરોમાં આવીને ખેતરને ખેદાન મેદાન કરી નાંખતા હોવાની વ્યાપક ફરિયાદો ખેડૂતોમાંથી સાંભળવા મળી રહી છે.
તેમજ ખેતર ફરતે ફેન્સીંગ પણ બાંધવામાં આવે છે તેમ છતાં રોઝ જે ઝડપથી ખેતરમાં પ્રવેશ કરે છે જેનાથી ફેન્સીંગને પણ નુકસાન થાય છે. અને પાકને હતો નહતો કરી નાંખે છે. ત્યારે હાલ ઊના પંથકમાં પાકને બચાવવા માટે ખેતરે ખેતરે ખેડૂતો એ રખોપાના ખાટલા માંડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તો બીજી તરફ જે ખેડૂતો કોળવાણનું વાવેતર નથી કરતા અને ચોમાસુ પાક લેતા હોય છે તે ખેડૂતો તેનું ખેતર વાવણી પહેલા સમુ નમુ કરી રહ્યાં છે. ખેતરોમાં પણ રોઝના આવવાથી ખેદાન મેદાન કરી નાખે છે. ત્યારે સરકાર દ્રારા રોઝના ત્રાસમાંથી મુક્તી મળે તે માટે નક્કર પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ઝટકા મશીનનું વેચાણ વધ્યું
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રોઝના ત્રાસથી મુક્તી મેળવા ધરતીપુત્રો દ્રારા પાક રક્ષણ માટે ઝટકા મશીન ખેતરની ફરતે લગાડતા હોય છે. કે જેથી કરીને પાકને રક્ષણ મળે આમ હાલ ઝટકા મશીનના વેચાણમાં પણ વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.