ગીરના દેશી ગોળ પર GSTનો બોજ ઘટાડવામાં આવ્યો છે. બોજ ઘટવાથી હવે નાના પેકિંગની માગ વધશે અને લોકો ગીરનો શુદ્ધ ગોળ સસ્તા દરે આરોગી શકશે. તાજેતરમાં મળેલ GST ની 49મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી 18 ટકાના બદલે 5 ટકા જ GST વસુલવામાં આવશે. GST માં રાહત મળતા ગોળ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે ખેડૂતોને પણ પૂરતા ભાવ મળી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં 250 જેટલા દેશી ગોળના રાબડા ધમધમે છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ગીરના ગોળની માગ જોવા મળે છે. ત્યારે જી.એસ.ટી કાઉન્સિલની 49મી બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં દેશી ગોળ ઉપર વસુલાતા પ્રવર્તમાન GST દરમાં મોટી રાહત આપવા નિર્ણય લેવાયો છે. દેશમાં સૌરાષ્ટ્રના સોમનાથ જિલ્લો દેશી ગોળનું હબ રહ્યો છે. અહી વર્ષે 25 લાખ ડબ્બા(પ્રત્યેક 26 કિલોનો)ઉત્પાદન કરવામાં આવે છે. જેથી GST કાઉન્સિલના આ નિર્ણયથી રાહતની લાગણી પ્રસરી છે. છેલ્લા દસ વર્ષથી જિલ્લાની ત્રણ ખાંડ ફેકટરીઓ બંધ હોવાથી જિલ્લામાં શેરડીના પાકનું વાવેતર કરતા ખેડુતો માટે ગોળના રાબડા આર્શીવાદ સમાન બન્યા છે.
દેશી ગોળના રાબડા કોઇ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી. પરંતુ ખેડૂતોની શેરડીનો ખેડૂતો જ ગોળ બનાવી ઉપજ મેળવી રહ્યા છે. ત્યારે GST માંથી મુક્તિ માટે રાબડા માલિકોની ઘણા સમયથી માગ હતી. દેશી ગોળ જેને અંગ્રેજીમાં જેગરી અને જી.એસ.ટી.કાઉન્સિલ જેને રાબ કહે છે. જેના પર હાલ 18 ટકાનો જી.એસ.ટી.ના દરમાં ફેરફાર કરીને હવે માત્ર પ્રિપેક્ડ કે લેબલવાળા ગોળ ઉપર 5 ટકા અને છુંટક વેચાતા ગોળ ઉપરનો જી.એસ.ટી ઝીરો કરવામાં આવેલો છે. જેના કારણે ગોળ લોકોને સરતો મળવાની અને વેપારીઓને જીએસટીની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
કેસરી કેરી માટે પ્રખ્યાત ગીર પંથક હવે દેશી ગોળના લીધે પણ જાણીતો થયો છે. ગીર પંથકમાંથી ઉત્પાદન થતાં દવા વગરના દેશી ગોળને ખાવા વાળો વર્ગ વધી રહ્યો છે. જેના કારણે તેની ડિમાન્ડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જે ખેડૂતો માટે શુભ સંકેત છે. આ ગોળ બારેમાસ સાચવી શકવાની સાથે સ્વાદ, સુગંધ અકબંધ રહેતો હોવાથી વધુ માગ રહે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉતમ માનવામાં આવે છે. દર વર્ષે ગીર પંથકમાં ધમધમતા 250થી વધુ ગોળના રાબડાઓમાંથી લાખો ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન થાય છે. જીએસટી ઘટવાથી આવનારા સમયમાં હજુ રાબડા વધશે. જે ખેડૂતોની સાથે સાથે લોકોના આરોગ્ય માટે પણ આશીર્વાદ રૂપ માનવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.