દેલવાડા પ્રાથમિક કેન્દ્રમાં 8 દિવસ પહેલા સૈયદ રાજપરાની મહીલાને ત્રિજી નોર્મલ ડિલેવરી થયાં બાદ બ્લડ બંધ કરવા પેડ તેમજ બાળકની નાળ રહી જતાં અને વધેના એનેસ વચ્ચે ઇન્ફેક્શન થવાના કારણે મહીલાની હાલત ગંભીર બની જતાં 3 દિ પૂર્વે ઊનાની ખાનગી હોસ્પીટલમાં તેનું 5 કલાકથી વધુ સમય સુધી ઓપરેશન ચાલ્યા બાદ ત્રણ દિવસ આઇઇસીયુમાં રખાયા બાદ મહિલાને બચાવવામાં સફળતા મળી હતી. આ મામલામાં નર્સીંગ સ્ટાફની બેદકારી સામે આવતા ભારે રોષ ફેલાયો છે.
દેલવાડા પીએચસી કેન્દ્રમાં પ્રસૂતિગૃહમાં 8 દિવસ પહેલા સૈયદ રાજપરા બંદરની ભારતીબેન દિનેશભાઇ બાંભણીયા પોતાના પતિ અને પરિવાર સાથે પ્રસુતી માટે આવ્યા હતા. અને હાજર નર્સીંગ સ્ટાફે નોર્મલ ડિલેવરી કરાવ્યા બાદ બ્લડ બંધ કરવા પેડ મુકી તેમજ બાળકની નાળના કટકા બહાર કાઢવાનું ભુલી જઈ ટાંકા લઈ લીધા હતા.
અને મહિલાને રજા આપી દીધી હતી. બાદમાં મહિલાને પિડા થતી હોય ત્રણ દિવસ પહેલા ઊનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા ત્યા ફરજ પરના તબીબે તપાસ કરતા પ્રસુતિ સમયે પેડ અને નાળના કટકા રહી ગયા હોવાનું જણાયું હતું. અને જેના કારણે ઈન્ફેકશન થયુ હોવાનું જણાવ્યું હતું. આ કારણોસર મહિલાની હાલત ગંભીર થઈ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે, મહિલાને દુખાવો થતા દેલવાડા પીએચસી કેન્દ્રમા જાણ પણ કરી હતી તેમ છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને પેડ અને નાળના કટકા નિકળતા તબીબો ચોકીં ઉઠ્યા હતા. તેમજ નર્સીંગ સ્ટાફની અને તબીબની બેદરકારી સામે આવી હતી.
તેમજ મહિલાને ઈન્ફેકશન થતા વધેના એનેસ વચ્ચેની દિવાલ નિકળી ગઈ હતી અને હોલ પડી જતા બે કલાકની જહેમત બાદ મહિલાનું બ્લડ બંધ થયું હતું. જેથી સરકારી પીએચસી તેમજ સીએચસી કેન્દ્રમાં પ્રસુતિ ગૃહ તેમજ નસબંધી ઓપરેશનમાં થઈ રહેલી બેદરકારી અંગે બ્લોક હેલ્થ અધિક્ષક આ મામલાને ગંભીર ગણી જવાબદાર તબીબ, નર્સીંગ સ્ટાફ સામે પગલા ભરે એવી માંગ ઉઠવા પામી છે.
10 દિવસ બાદ પણ તબીબોનું તપાસ કરાવીશુનું રટણ : બીએચઓ, ડો. વિપુલ ડુમાર
ઉના બ્લોક હેલ્થ ઓફીસર ડો. વિપુલ ડુમારને પુછતા તેમણે કહ્યું હતું કે, દેલવાડા પ્રાથમિક કેન્દ્રમાં સૈયદ રાજપરાની મહીલાની ડિલેવરી કર્યા પછી કોઇ તકલીફ થયેલ છે. તેની હકીકત મળી છે પરંતુ દર્દી કે સારવાર આપનાર ડોક્ટરનો નંબર અમારી પાસે નથી. (જે વાત ગળે ઉતરતી નથી) દેલવાડા નર્સિંગ સ્ટાફ સારવાર સારી આપે છે. ડિલેવરી વખતે કોઇ તકલીફ ન હતી નોર્મલ પ્રસૂતિમાં કોઇ તકલીફ ન થાય તેમ છતાં બે દિવસ પહેલા મને જાણ થયેલ છે. તપાસ કરાવીશું આમ જણાવેલ ત્યારે સવાલ એ ઉઠવા પામે છે કે, 10 દિ બાદ પણ બેદરકારી રાખનાર તબીબ નર્સિગ સામે તપાસનું રટણ કરાય છે. પરંતુ કોઇ અન્ય પગલા લેવાતા નથી તેનું કારણ શું ?
આ કેન્દ્રમાં અનેક ડિલિવરી થયેલ છે, કામ કરીએ ત્યાં ક્ષતિ રહે : ડો.કૃપાબેન દેશાઈ
મહીલા તબીબ ડો.કૃપાબેન દેશાઇનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ કેન્દ્રમાં અનેક ડિલેવરી થયેલ છે. કોઇને કાંઇ તકલીફ નથી પણ જ્યાં કામ કરીએ ત્યાં ક્ષતિ રહે (તબીબના આ શબ્દો શરમજનક કહેવાય એટલા માટે કે દર્દી તબીબને ભગવાન સમાન ગણતા હોય છે) સૈયદ રાજપરાની મહીલા ભારતીબેન બાંભણીયાને તકલીફ થઇ છે. તેની જાણ થતાં વેરીફિકેશન કરીએ છીએ આરોગ્ય વિભાગની એપોઇમેન્ટના આધારે 3 નર્સિગ સ્ટાફ મારા અંડરમાં કામ કરે છે. અને તેને ડ્યુટી અપાય છે અને તકલીફ હોય તો મને જાણ કરે છે પછી હું જ દર્દીને ડિસ્ચાર્જ કરૂ છું તો પછી આ ઘટનામાં નર્સે પ્રસુતિ કરાવ્યા બાદ તબીબને જાણ નથી કરી કે શું ? આ ઘટનમાં અમારી કામગીરી ખરાબ દેખાશે તેવુ જણાવી તપાસ કરાવવાનું રટણ કર્યું હતું. પરંતુ તપાસ કરેલ નથી.
તબીબની ભૂલના કારણે અમે ખર્ચામાં મુકાયા : દેવચંદભાઈ
ઊનાના બંદર વિસ્તારમાં રહેતા માછીમાર પરિવારની આ મહિલાનાં પરિવારને ગરીબ હાલતમાં પણ મોટા ખર્ચ થયો હોવાના આક્ષેપ સાથે પોતાના પરીવારની મહીલાનો ખાનગી હોસ્પીટલના તબીબે કલાકોની મહેનત બાદ જીવ બચાવ્યો તે કુદરતનો અહેસાન દેવચંદભાઇ બાંભણીયાએ માન્યો હતો. અને પોતાની પત્નિ સાથે થયેલી બેદરકારી અન્ય મહીલા સાથે ન થાય તેની તકેદારીરૂપે સરકારે તપાસ કરવી જોઇએ તેવી માંગણી કરેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.