ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ICDS યોજના અંતર્ગત 'સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન' હેઠળ કિશોરીઓમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી પૂર્ણામેળો યોજાયો હતો. તેનું આયોજન નગરપાલિકા કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે થયું હતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બાળકીઓના જન્મથી લઈને તેમને આત્મનિર્ભર બનાવવા અને તેમના ઉત્થાન માટે દરેક તબક્કે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે.
સરકારી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી
આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડીએ કહ્યું હતું કે, કિશોરીઓમાં જીવનના વિવિધ પાસાઓની સમજ તેમજ તેની જાગૃતિ કેળવાય તે ખૂબ જ જરૂરી છે. તેમણે કિશોરીઓ સાથે સરકારી યોજનાઓ અને તેના લાભ વિશે માહિતીની ચર્ચા કરી હતી. વધુમાં વધુ કિશોરીઓ અને મહિલાઓ આ તમામ યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ પણ કર્યો હતો.
સ્વબચાવની તાલીમ વિશે માહિતી આપવામાં આવી
જ્યારે મેડિકલ ઑફિસરે કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા કિશોરીઓને સ્વબચાવની તાલીમ વિશે જણાવવામાં આવ્યું હતું. સ્વબચાવનું મહત્વ તેમજ ‘181 અભયમ્’ દ્વારા સુરક્ષા વગેરે વિશે જાણકારી આપવામાં આવી હતી.
મહિલા વિશેના કાયદાઓની માહિતી આપવામાં આવી
આ કાર્યક્રમમાં ઉપસ્થિત એડવોકેટે મફત કાયદાકીય સહાય તથા કિશોરીઓને લગતા ચાઈલ્ડ મેરેજ એક્ટ, પોક્સો એક્ટ વગેરેની જોગવાઈ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. અંતે કાર્યક્રમમાં ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા થનાર કિશોરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કિચન ગાર્ડન બનાવાની માહિતી આપવામાં આવી
પૂર્ણામેળામાં પૂર્ણાશક્તિ તેમજ આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષ નિમિત્તે રાગી, બાજરા, જુવાર જેવા મિલેટ્સની પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. પોષણના મહત્ત્વને અનુસરી ઘરની આસપાસ સારી રીતે કિચન ગાર્ડન બનાવી શકાય તે વિશે પણ સમજ આપવામાં આવી હતી. તાલુકા તેમજ જિલ્લાના પદાધિકારી-અધિકારીઓ, પંચાયતના સભ્ય, પ્રોગ્રામ અધિકારી, આંગણવાડીની બહેનો તેમજ કિશોરીઓ અને તેમના વાલીઓ પણ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.