ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક બે અકસ્માત સર્જાયા હતા. એક અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવકો અકસ્માતમાં ઘાયલ થયા હતા. કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ગ્રામ પંચાયતના સદસ્ય ધીરુભાઈ મોરી (ઉં.વ. 60) બાઈક લઈ કૌટુંબિક દીકરીને જમનવાડા ગામે મૂકવા જઈ રહ્યા હતા. તેઓ વેળવા ગામના ધરતી પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા ત્યારે પાછળ આવતી સરકારી વિભાગની સુમોએ મોટર સાઈકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં 150 ફૂટ દૂર ફંગોળાયું હતું.
અકસ્માતમાં ધીરુભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું. દીકરી પિનલબેનને ગંભીર ઈજા થતા તાત્કાલિક ડોળાસાથી 108 એમ્બ્યુલન્સ મારફતે કોડીનાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ધીરુભાઈને મૃત જાહેર કર્યા હતા. ઈજાગ્રસ્ત પિનલબેનને પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. ધીરુભાઈ કાનાભાઈ મોરી ડોળાસા ગ્રામ પંચાયતના સદસ્ય હતા, તેઓ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતાં ડોળાસા ગામના લોકોને આઘાત પહોંચ્યો છે. કોડીનાર પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોડિદર રોડ પર અકસ્માતમાં એક ઘાયલ
બીજો અકસ્માત ડોળાસા ગામે બોડિદર રોડ પર સર્જાયો હતો. ગીર ગઢડાના જાંજરિયા ગામના જગદીશ રામસિંગભાઈ મોરી (ઉં.વ.47) પોતાના બાઈક પર ડોળાસા જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતાં અન્ય એક બાઈક સાથે તેની ટક્કર વાગી હતી. જેમાં જગદીશભાઈને પગમાં ઇજા થતાં સારવાર અર્થે કોડીનાર ખાતે ખસેડવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.