વેરાવળમાં ભોય સમાજ દ્વારા અંદાજે 350 વર્ષથી પરંપરાગત રીતે યોજાતા ભૈરવનાથની હોળીના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા હતા. જેમાં આસ્થાભેર માનતા પુરી થતાં નવજાત શીશુઓને પગે લગાડવા લોકોની કતાર લાગી હતી. હજારો ભાવિકોએ કાલભૈરવ દાદાના દર્શનાર્થે લાઈનો લગાવી હતી. કાલભૈરવ કળિયુગનાં જાગૃત દેવતા છે. શિવ પુરાણમાં ભૈરવને મહાદેવ શંકરનું સ્વરૂપ જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે આવા પરમ કૃપાળુ કાલભૈરવની શરણમાં જનાર જીવનો નિઃશંક ઉદ્ધાર થાય છે.
20 ફૂટ ઉંચી વિશાળ મૂર્તિ બને છે
ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ શહેરમાં ભોય સમાજના આયોજક પટેલ હરગોવિંદ વાજાએ જણાવ્યું હતું કે, સમસ્ત ભોય સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રૂદ્ર સ્વરૂપ એવા કાલ ભૈરવદાદાની 20 ફૂટ ઉંચી વિશાળ મૂર્તિ બનાવે છે. એક મહિના જેટલા સમયમાં 50થી વધુ યુવાનો આ મૂર્તિ બનાવે છે.
નિઃસંતાન માતા-પિતા શ્રદ્ધાથી અહીં આવે છે
વ્યાપારમાં લાભ આપવા તેમજ નિઃસંતાનને સંતાન આપવાની શ્રદ્ધા વધવાની સાથે આ મૂર્તિ લોકોમાં ધ્યાનનું કેન્દ્ર બની છે. દર વર્ષે ગામે ગામથી હજારો લોકો અહીં સંતાન પ્રાપ્તિ માટે ભૈરવનાથની માનતા માનવા અને માનતા ઉતારવા માટે આવે છે. આ ઉપરાંત બાળકોને પગે લગાડવા માટે માતા-પિતા આવે છે. ખુબ જ પ્રાચીન કાળથી આ મૂર્તિ અહીં જ બનાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.