ઊનાના દેલવાડા ગામે આવેલ ગુપ્ત પ્રયાગના આશ્રમના રૂમનો દરવાજાનું તાળુ ખોલી અંદર રહેલ કબાટ માંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયાનો બનાવ બન્યો હતો.આ કેસમાં કોઈ જાણભેદુ જ હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દેલવાડા ગામ નજીક આવેલ ગુપ્ત પ્રયાગ તિર્થધામ આશ્રમના મહંત વિવેકાનંદજી ગુરૂ મુકુંદાનંદજી બાપુના આ આશ્રમમાં આવેલ રૂમમાં કોઇ જાણભેદુ શખ્સે દરવાજાનું તાળુ ડુપ્લીકેટ ચાલી કે પછી અન્ય કોઇ સાધનિક વડે તાળુ ખોલી નાખી અંદર પ્રવેશ કરી રૂમમાં કબાટને ડુપ્લીકેટ ચાવી વડે ખોલી અંદર રહેલા સોનાના દાગીના ચેઇન 3, માળા 1, વીટી 2, પેન્ડલ 2, હાર 1 , હાથનું કડું 1, કાનની બુટી 2, બેરખો રૂદ્રાક્ષ 1 સહીત સોનાની દાગીનાની કિ.રૂ.4,11,400 તેમજ રોકડ રકમ રૂ.70000 સહીત કુલ કિ.રૂ.4,81,400 ની ચોરી કરી નાશી ગયેલ હોય આ અંગેની જાણ આશ્રમના સેવક હિરેનભાઇ ગીરધરભાઇ મિશ્રાએ અજાણ્યા શખ્સ વિરૂધ પોલીસ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
શુ કહે છે પીઆઈ? - ઊના પી આઇ એમ યુ મસીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે ગુપ્ત પ્રયાગ તિર્થધામમાં સોનાના દાગીનાની ચોરી કરનાર તસ્કર જાણભેદુ હોય તેમજ હાલ પોલીસ દ્રારા શકમંદોની તપાસ ચાલી રહી છે. અને તસ્કર ટુંક સમયમાં પકડાઇ જશે.
દાગીના ગીરવે મુક્યાની ચર્ચા - તસ્કરે ગુપ્ત પ્રયાગ આશ્રમ માંથી 4 લાખથી વધુની કિંમતના દાગીના ગીરવે મૂક્યાની ચર્ચા ઓએ વેગ પકડ્યો છે. આ ચોરીનો ભેદ ઉકેલાયા બાદ સાચી હકીકતો બહાર આવશે. તે સીવાય તસ્કરે કિંમતી મોબાઇલ ફોન પણ લીધો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.