ઉના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના ગામેથી મહિલાઓ ઓપરેશન માટે વહેલી સવારથી હોસ્પીટલે પહોંચી ગઈ હતી. પરંતુ સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી તબીબ ન આવતા ભૂખ્યા-તરસ્યાની સાથે તમામ મહિલાઓ રઝડી પડી હતી. જે બાદ ડોકટર આવતા ઓપરેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે ડોક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, હોસ્પિટલમાં પાંચ ડોક્ટરો હોવા જોઈએ, તેની જગ્યાએ હાલ બે ડોક્ટર ફરજ બજાવીએ છીએ. જો તાત્કાલિક ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તો લોકોને મુશ્કેલીમાંથી રાહત મળી શકે તેમ છે.
50થી વધુ મહિલાઓ તબીબની રાહે ભુખ્યા-તરસ્યા
ઉનાની સરકારી હોસ્પીટલ ખાતે અઠવાડીયામાં બેથી ત્રણ દિવસ કુંટુંબ કલ્યાણ યોજના હેઠળ મહિલાઓના નસબંધી ઓપરેશન કરવામાં આવે છે. જેમાં ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પછાત, ગરીબ વર્ગની મોટી સંખ્યામાં મહિલાઓ શિયાળાની ઠંડીમાં વહેલી સવારે આઠ વાગ્યાથી હોસ્પીટલ ખાતે પહોંચી ગઈ હતી. પરંતુ બપોર સુધી તબીબની રાહ જોઇ તેમ છતાં તબીબ ન આવતા સ્ટાફને પુછતા થોડીવારમાં આવશે તેવું જણાવ્યું હતુ. જે બાદ સાંજના 5 વાગ્યા સુધી નહીં આવતા 30 જેટલી મહિલાઓ તેમજ તેમની સાથે આવેલી અન્ય મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુ મહિલાઓ આખો દિવસ ભુખ્યા-તરસ્યા રહ્યાં હતા.
હોસ્પિટલમાં જ ઘોડીયા બાંધવા પડ્યા
ઘણી મહિલાઓ પોતાના નાના બાળકોને પણ હોસ્પીટલ ખાતે લઈને આવ્યા હતા. જેને ઘોડીયું બાંધીને ગરમીમાં રાખી આખો દિવસ તબીબની રાહ જોતા રહ્યાં હતા. આમ તબીબ સાંજના પાંચ વાગ્યા સુધી નહીં આવતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંતે સાંજે પાંચ વાગ્યા બાદ તબીબ આવતા ઓપરેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આમ તબીબની અસમયસર આવવાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને હેરાન થવાનો વારો આવ્યો હતો.
સવારના 7 વાગ્યાથી ભુખ્યા-તરસ્યા છીએ: ભાવનાબેન
આ બાબતે દર્દીની સાથે આવેલા ભાવનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યાના ઉંટવાળાથી બેનને લઇને હોસ્પીટલે આવ્યા છીએ અને બે માસની દીકરી પણ સાથે છે. સવારથી પાણીનું ટીપુ પણ પીધુ નથી, ભુખ્યા-તરસ્યા બેઠા છીએ. અહીં કોઈ ડોક્ટર આવ્યા નથી, કે કોઇ ધ્યાન દેતુ નથી. આવી પરિસ્થિમાં જો અમને ચક્કર આવશે કે, કઇ પણ થશે તો જવાબદારી કોની? તાત્કાલીક અહીં નિવારણ લાવે નહીં તો ઘરે ચાલ્યા જઇએ તેવું જણાવ્યું હતું.
તાત્કાલિક ડોક્ટરની નિમણૂક કરવા માગ
આ બાબતે ડો.પાદરેસાએ જણાવેલ હતું કે, હું આજે વેરાવળ ખાતે મીટિંગમાં ગયો હતો. અન્ય ડોક્ટર મિશ્રાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં પાંચ ડોક્ટરો હોવા જોઈએ, તેની જગ્યાએ હાલ બે ડોક્ટર ફરજ બજાવીએ છીએ. જ્યારે ત્રણની ઘટ હોય જેથી તાત્કાલિક ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તો લોકોને મુશ્કેલીમાંથી રાહત મળે તેવુ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.