તપાસ:100 કિલોથી વધુ વજનદાર સીંહણને કેટલા લોકોએ ઢસડી હશે, શેનાથી સળગાવી હશે તેમને લઇ તપાસ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આલીદર ગામમાં સળગાવાયેલી સીંહણના હાડકાં અને વાળ મળ્યા

કોડીનાર તાલુકાના આલીદર ગામે સીંહણના મૃતદેહને સળગાવી દીધાના મામલે વનવિભાગને ઘટનાસ્થળેથી સીંહણના વાળ અને હાડકાંના નમુના મળ્યા છે. જેને એફએસએલમાં મોકલી અપાયા છે. દરમ્યાન આ પ્રકરણમાં એકથી વધુ શખ્સો સંડોવાયાની આશંકા સેવાઇ રહી છે.

કોડીનાર તાલુકાના આલીદર ગામે ખાણમાં સીંહણના મૃતદેહને સળગાવી દીધા બાદ તેના મોતનું કારણ જોકે, હજુ સુધી જાણવા મળ્યું નથી. એટલુંજ નહીં તેનું મોત ક્યા સ્થળે થયું હોઇ શકે એનો તાગ પણ મળ્યો નથી. પણ જ્યાં સીંહણના મૃતદેહને સળગાવી દેવાયો એ સ્થળેથી સીંહણના વાળ અને હાડકાં મળી આવ્યાનું જાણવા મળ્યું છે. આ નમુના એફએસએલમાં મોકલી અપાયા છે. જેના પૃથક્કરણ બાદ તેનું મોત કેવી રીતે થયું હોઇ શકે એનો તાગ મળી શકશે. દરમ્યાન સીંહણનું વજન સામાન્ય રીતે 100 થી 150 કિલો હોય છે ત્યારે તેને ઢસડવામાં આવી છે કે, ઉપાડીને લાવવામાં આવી એની તપાસ પણ બાકી છે.

બંને સંજોગોમાં એક વ્યક્તિથી આ શક્ય નથી. દરમ્યાન મૃતદેહ સળગાવાયાના સ્થળથી થોડે દૂર આવેલી સરકારી જમીનમાં ખેતી કરતા રાણાભાઇ ભીખાભાઇ બાંભણીયાએ સતત એવું રટણ ચાલુ રાખ્યું છેકે, આ ઘટનામાં અમારી ક્યાંય સંડોવણી નથી. અને વનવિભાગની તપાસ દરમ્યાન પણ રાણાભાઇની સતત હાજરી પણ ઘટનાસ્થળે હતી.

સીંહણના મૃતદેહને સળગાવી દેવાયો હોવાથી પુરાવા એકઠા કરવામાં વનવિભાગને ખુબજ મુશ્કેલી પડી રહી છે. જોકે, બનાવ ક્યારે બન્યો અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે, તેને સળગાવવામાં કેટલો સમય લાગ્યો, એનો ખ્યાલ તો સ્થળની ચોકસાઇ થયા બાદ જ આવશે. વળી તેને સળગાવવામાં પેટ્રોલનો ઉપયોગ કરાયો કે બીજા કોઇ બળતણનો એ પણ તપાસનો વિષય છે. આ પ્રકરણમાં વનવિભાગ રાત દિવસ એક કરી રહ્યું છે. જોકે, હજુ સુધી એકપણ અધિકારીએ મગનું નામ મરી પાડ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...