ઊનાનાં ઉમેજ થી પાતાપુર રોડ પરથી ગીરગઢડાના ધોકડવા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે તાઉતે વાવાઝોડામાં વિજપોલ વાયરોના નુકસાન થયેલ મટીરીયલ લોખંડની પટ્ટી તથા એલ્યુમીનીયમના વાયરો ભરેલા બે ટ્રક બારોબારો વહેચી મારવાના ઇરાદે લઇ જવાતો હોવાની બાતમી આધારે પોલીસ રાત્રીના સમયે વોચગોઠવી બે ટ્રકને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઊનાનાં ઉમેજ ગામેથી ગેરકાયદેસર ટ્રકમાં પોલ, વાયર સહિત મટીરીયલ લઈ જવાતુ હોવાની બાતમી મળતા પોલીસનાં પી.પી.બાંભણીયા, નિલેશભાઈ છગનભાઇ, વિજયભાઇ હાજાભાઇ, જસપાલસિંહ પ્રતાપભાઇ, ભીખુશા બચુશા સહીત સ્ટાફે રાત્રીનાં ઉમેજ- પાતાપુરનાં રોડ પર વોચ ગોઠવી હતી.
અને ત્યાથી પસાર થતા ટ્રક નં- જીજે-36 ટી-0044ના ચાલક પીયુશભાઈ સાદુલભાઈ ભેડા રહે. ગમા-પીપળીયા તા.બાબરાવાળોને રોકાવી ટ્રકમાં તલાશી લેતા ટ્રકમાં ભરેલ લોખંડની પટ્ટી તથા એલ્યુમીનીયમના વાયરો આશરે છ ટનથી વધુ વજન કિ.રૂ. 9 લાખ, ટ્રક સહિત મળી કુલ રૂ.19 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ટ્રક ચાલકની વધુ પૂછપરછ કરતા જરૂરી કાગળો મળી આવ્યા ન હતા. જેથી બે ટ્રક સહિત કબ્જે કરી કલમ-41(1) ડી મુજબ પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉમેજ ગામે રહેતા અલ્લારખ ઉનાડજામે વિજકંપનીનાં કોર્પોરેટર રાજકોટને રજૂઆત કરેલ જેમાં પીજીવીસીએલ ધોકડવા સબ ડિવીઝનનાં કોન્ટ્રાક્ટર રહીમ ઉનડજામએ તાઉતે વાવાઝોડાને 1 વર્ષ થઈ ગયુ હોવા છતાં આ સામાન અંદાજે 3 ટ્રક બારોબાર વેંચવાનો હોય પરંતુ પોલીસે ઝડપી પાડતા સબડિવીઝન ડે.એન્જીનીયરે કોન્ટ્રાક્ટરનો બચાવ કરવા ખોટા દસ્તાવેજ પુરાવા રજૂ કરી દીધા અને અધિકારી દ્વારા અત્યાર સુધી શા માટે કોઈ કોન્ટ્રાક્ટરને નોટીસ તેમજ જમા કરવાની રજૂઆત કરાઈ નથી.તમામ કોન્ટ્રાક્ટરે જુનુ મટીરીયલ જમા કરી દીધુ છે.
પરંતુ આટલો મોટો જથ્થો સ્ક્રેપ શા માટે રાખી મુક્યો તે પણ એક પ્રશ્ન છે. તેમજ ટ્રકમાં માલસામાન જુનો અને નવો ભરેલો હોય ક્યાં ગેટ પાસનાં આધારે માલ અપાયો છે. તેની તપાસ થવી જોઈએ. આ જથ્થાની પરવાનગી કાર્યપાલ એન્જીનીયર, એ.સી. દ્વારા આપવામાં આવી છે કે, કેમ ? વાવાઝોડામાં નુકસાન થયેલ મટીરીયલ પીજીવીસીએલનાં અધિકારી અને કોન્ટ્રાક્ટરે સાથે મળી મિલીભગત કરી પ્રજાના અને કંપનીના સામાનની લૂંટ ચલાવી આર્થિક નુકસાન કરાયું છે. ત્યારે પીજીવીસીએલનાં ઉચ્ચઅધિકારી યોગ્ય તપાસ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવવા કાર્યવાહી કરે એવી માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.