ઉનાના એલમપુર ગામે રહેતા પિતા-પુત્ર બંને બાઇક પર જતા હતા. ત્યારે ભેભા-ડમાસા રોડ પર અચાનક પથ્થરના ખાંભા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને પિતા-પુત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ઉના હોસ્પીટલે બાદમાં બહાર રીફર કરવામાં આવ્યાં હતાં. ત્યાં સારવાર દરમિયાન પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, ભાણજીભાઇ જાદવભાઇ મકવાણા તેમજ પુત્ર રોહીત ભાણજીભાઇ જાદવ મકવાણા (ઉ.વ. 6) બંને પિતા-પુત્ર બાઇક પર જતાં હતા. ત્યારે અચાનક બાઇકનો સ્ટેરીંગ પર કાબૂ ગુમાવી દેતા રસ્તાની સાઇડમાં આવેલા પથ્થરના ખાંભામાં ધડાકાભેર ભટકાતા બંને પિતા-પુત્રને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાતલમાં રસ્તા પર ઢળી પડ્યા હતા.
આ અકસ્માત થતાં રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોએ વાહનમાં તાત્કાલિક ઉના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પિતા અને પુત્રને રાજકોટ અને અમદાવાદ આમ બંને અલગ અલગ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પિતા-પુત્ર બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. મૃતક પિતાનો એકનો એક દીકરો હતો. જ્યારે ત્રણ દીકરીઓએ એકના એક ભાઈ અને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે રુદન સાથે શોક પ્રસરી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.