ગોઝારા અકસ્માતમાં એકનું મોત:ઉનામાં બેફામ કારચાલકે બે વૃદ્ધોને એડફેટે લીધા; ઘટનામાં એકનું મોત, એકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ઉનાએક મહિનો પહેલા

ઉના-ભાવનગર નેશનલ હાઈવે રોડ પર આવેલા યાજપુર ગામે બે વૃદ્ધો બસની રાહ જોઈને ઉભા હતા. ત્યારે અચાનક પૂરઝડપે આવતા કારચાલકે બંને વૃદ્ધોને હડફેટે લીધા હતા. જેમાં એકને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

યાજપુર ગામે રહેતા વસંત ભાયજી ઠાકર (ઉ.વ. 60) તેમજ પુંજા ગોહિલ (ઉ. વ.65) આ બંને વૃદ્ધ ઉના-ભાવનગર હાઇવે પર પોતાના ગામ યાજપુર પાસે રસ્તા પર બસની રાહ જોઈને ઉભા હતા. એ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બંને વૃદ્ધોને હડફેટે લીધા હતા. જેમાં વસંતભાઈ ઠાકોરને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે ઉભેલા પુંજાભાઈને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. આ અકસ્માત સર્જાતા તાત્કાલિક ઇમરજન્સી 108 ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ઈજાગ્રસ્તને ઉના ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...