ઊના શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન સામાન્ય વરસાદ પડતા રસ્તા ઉપરથી ડામર ઉખડી ગયેલ હતો. જેથી રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા રસ્તા પર કાંકરી-માટી નાખી ખાડાને બુરી સંતોષ માની લેવામાં આવ્યો હતો. પરંતુ લોકોએ ખાડા તો સહન કર્યા પણ હવે ધુળની ડમરીઓથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
વાહન ચાલકો-રાહદારીઓ અને વેપારી દુકાનદારોને ભારે હાલાકી
રસ્તા પર પારવાર ધુળની ડમરીઓ ઉડતી હોવાથી સામેથી કયું વાહન આવે છે તે પણ દેખાતું ન હોવાથી તેમજ ટ્રક જેવા મોટા વાહન પસાર થતાં હોય ત્યારે પાછળ આવતા વાહન ચાલકોને થોડીવાર સુધી થંભી જવું પડતુ હોવાની સ્થિતીનું નિર્માણ થયું છે. જ્યારે આ ધુળની ડમરીઓના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડે છે. શહેરના મુખ્ય રસ્તા પર તમામ તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારોઓ પોતાની કારમાં બંધ કાચ કરીને પસાર થઇ જતાં હોય પરંતુ ખુલ્લા વાહન ચાલકો-રાહદારીઓ અને વેપારી દુકાનદારોને ભારે હાલાકી ભોગવી પડે છે. તંત્ર દ્વારા આ રસ્તાની મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.