સમગ્ર રાજ્યભરમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો આબાદ બચાવ થયો છે. કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કમોસમી માવઠાની અસર ન થતાં કેસર કેરીના બગીચાઓ ધરાવનારાઓમાં આનંદ છવાયો. તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે પછી કમોસમી માવઠું ન થાય તેવી પોતાનો વ્યથા વ્યકત કરી હતી.
રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી માવઠાની આગાહી કરાઈ હતી. પરંતુ તેમાં ગીરગઢડા અને જંગલ બોર્ડરના વિસ્તારોમાં માવઠાની અસર દેખાઈ છે તે સિવાય કેસર કેરીના ગઢ તાલાળા ગીર પંથકમાં આ માવઠું વરસ્યું ન હતું. જેના કારણે કેસર કેરીના ખેડૂતો માથેથી મોટી ઘાત ગઈ એમ ખેડૂતો માની રહ્યા છે. આ વર્ષે ત્રણ તબક્કામાં ફ્લાવરિંગ પ્રક્રિયા થતાં જો હજુ પણ માવઠું ન આવે તો ચોમાસા સુધી કેસર કેરી લોકોને ખાવા મળશે. અને તે પણ વ્યાજબી ભાવે ખરીદી શકશે તેવું ભરતભાઈ ભરગાએ જણાવ્યું હતું.
પ્રતિ વર્ષ કરતા આ વર્ષે ભારે માત્રામાં બમ્પર ફ્લાવરિંગ આવ્યું છે. જેમાં ત્રણ તબક્કામાં કેરીનો પાક જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાની કેરી બજારમાં પહોંચી ચૂકી છે. બીજા તબક્કામાં હજુ નાની ખાખડીઓ આંબાના ઝાડ પર છે. તો ત્રીજા તબક્કામાં નાની મગ જેવડી એટલે મગ્યો ફ્લાવરિંગ જોવા મળે છે. જેના કારણે કેસર કેરી જો કોઈ માવઠાનું વિઘ્ન કે રોગ ન આવે તો લાંબો સમય સુધી લોકો સસ્તા ભાવે સ્વાદ માણી શકશે.
કેરીની ખેતી કરનાર નિષ્ણાંત ખેડૂતોની વાત માનીએ તો કેરીનો પ્રથમ તબક્કો ખાવા લાયક એક માસમાં સારી કેરી બજારમાં જોવા મળશે. જ્યારે ચોમાસામાં અંતિમ તબક્કાની કેસર કેરી બજારમાં જો જોવા મળે તો નવાઈ રહેશે નહીં. આમ કેસર કેરી જે માત્ર બે અઢી માસ ખાવા મળતી એ કેસર કેરી આ વખતે જો કોઈ વિઘ્ન નહીં આવે તો ચારેક માસ સુધી લોકો માણી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.