ફ્રીજ સાથે ચેડાં કર્યોની ચર્ચા:ઊના સિવીલમાં પાણીની વ્યવસ્થા છતાં દર્દીઓને બહારથી વેંચાતું જ લેવું પડે છે

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહારથી પાણીની બોટલોનું વેંચાણ થાય એ માટે ફ્રીજ સાથે ચેડાં કરાતા હોવાની ચર્ચા

ઊના સરકારી સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં ઘણા લાંબા દિવસોથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. આ પાણીની તંગી કુદરતી નથી. માનવ સર્જીત હોવાની ચર્ચા ઉઠી રહી છે. સરકારી હોસ્પીટલમાં આવતા દર્દીઓ માટે પીવાના પાણીનું કુલર આરો પ્લાન્ટ સાથે બહારના ભાગે મૂકવામાં આવેલ છે. શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ સ્ટોર ટાંકો સાથે ફિટીંગ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત હોસ્પીટલના ગ્રાઉન્ડમાં કુવો પણ આવેલ છે. સીધુ પાણી આ હોસ્પીટલના દરેક વોર્ડમાં મળી રહે તેવી વ્યવસ્થા હોવા છતાં છેલ્લા આઠ દિવસથી પાણી બંધ કરી દેવાતુ હોવાના કારણે દર્દીઓ અને તેના પરીવારોજનોને પાણી બહારથી વેચાતુ લેવું પડી રહ્યું છે.

દર્દીઓમાં એવો પણ શૂર સાંભળવા મળી રહ્યો છે કે આ હોસ્પીટલમાં ઠંડા પાણીનું ફ્રિજ ઇરાદા પૂર્વક બંધ કરી કેટલાક બહારના તત્વો પોતાના પાણીની બોટલના વેચાણ થાય તેવા ઇરાદા સાથે ફ્રિજ અને પાણી પાઇપ લાઇન સાથે ચેડા કરી જતાં હોવાથી ફ્રિજ બંધ રહે છે. અને દર્દીઓ પાણી વગર ફાફા મારી નાછુટકે વેચાતુ પાણી મેળવી પોતાની પ્યાસને બુજાવી રહ્યાં છે.

હોસ્પિટલમાં ચારે કોર ગંદકીના ગંજ
ઊના સરકારી હોસ્પીટલના ગેટની અંદર જતાં ચારેકોર ગ્રાઉન્ડમાં કિચડના થર અને ગંદકીઓ ફેલાયેલ હોય સારવાર માટે આવતા દર્દીઓને સાજા થવાના બદલે માંદગીના ખાટલા ઉપર વધુ રહેવુ પડે છે. આ બાબતે જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારી જાગશે ખરા ? તાલુકાભરમાંથી આવતા દર્દીઓને પડતી મુશ્કેલીનો અંત લાવી શકશે ખરો એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...