જાત મહેનત જિંદાબાદ:ગીરગઢડાના કાંધીમાં ગ્રામજનોએ રાવલ નદી પર જાત મહેનતથી બેઠો પુલ બનાવી રસ્તાનું નિર્માણ કર્યું

ઉના25 દિવસ પહેલા

ગીરગઢડા તાલુકાના કાંધી ગામમાંથી પસાર થતી રાવલ નદીમાં ચોમાસાની સીઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં છ મહિના સુધી પાણી વહેતુ રહે છે. જેના કારણે ગામના ખેડૂતો, ખેત મજૂરો, વિદ્યાર્થીઓ અને ગીરગઢડા તાલુકાના જોડતા નેસડા, નાંદરખ, પાણખાણ, નાના સમઢીયાળા, લુવારી મોલી, ચોરાળી મોલી, મોટી મોલી, કાકેડી મોલી, નારીયેળી મોલી, શાણાવાકીયાને જોડતા ગામોમાં વસતા લોકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડતી હતી.

જેથી કાંધી ગામના લોકોએ ગ્રામ પંચાયતના સહકારથી લોક ભાગીદારીથી ગામલોકોએ જાતમહેનતથી રાવલ નદીમાં કાકરી, માટી, પાઇપ, પથ્થરોથી કામ શરૂ કર્યું હતું. આ રાવલ નદીમાં બેઠો પુલ બનાવી કાચા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નદી પર કાચો રસ્તો બનતા મુશ્કેલીને અવસરમાં ફેરવવા ભગીરથ કાર્ય કરવામાં ગામલોકોના સહયોગથી શક્ય થયેલ હતું. આ રસ્તાનું નિર્માણ થતાં કાંધી ગામના અને આજુબાજુના ગામના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

જોકે આ રાવલ નદીમાંથી આજુબાજુના ગામોમાંથી લોકો, મજુરોવર્ગ, રાહદારીઓ પસાર થતા હોય અને દર ચોમાસામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં. તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઇ કામગીરી કરવા આવી નથી. અંતે ગામ લોકોએ નક્કી કરી સૌનો સાથ ગામનો વિકાસ જાત મહેનત જિંદાબાદના સુત્રોને સાકાર કરી આ નદીમાં કાચો બેઠો પુલ બનાવી રસ્તાનું નિર્માણ કરેલ છે. આથી સરકાર દ્રારા આ ગામ લોકો રાહદારીઓની આ મુશ્કેલીઓને ધ્યાને લઈને નવા પુલનું નિર્માણ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગણી ઊઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...