ગીરગઢડામાં રહેતા યુવાન સાથે અગાઉના મનદુઃખના કારણે બે શખ્સોએ માથાકુટ કરી પોતાના પાસે રહેલી છરી વડે ગળાના ભાગે તેમજ ડાબા હાથની હથેળીમાં ઈજા કરી હતી. અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપવા બાબતે યુવાને બે શખ્સો સામે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ,ગીરગઢડા મામલતદાર કચેરીના ગેટની બાજુમાં મનું ઉર્ફે માનભાઈ બેઠા હતા. ત્યારે સાગર બાબુ ભાલીયા તેમજ વૈભવ કેશુ ભીલ આ બંને શખ્સોએ અગાઉના મનદુ:ખના કારણે ત્યાં આવીને બોલાચાલી કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી અપશબ્દો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયેલા બંને શખ્સોએ છરી વડે હુમલો કરી ગળાના ભાગે તેમજ ડાબા હાથની હથેળીના ભાગે ઈજા પહોંચાડી હતી.
ઈજાગ્રસ્ત યુવાન રાડારાડ કરવા લાગતા આજુબાજુમાંથી લોકો ભેગા થઈ ગયા અને બંન્ને શખ્સોએ કહેલું કે, આજે તું બચી ગયો હવે પછી મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ઘમકી આપી નાશી છૂટયા હતા. ઇજાગ્રસ્ત યુવાનને ઈજા થતાં તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા. આ અંગેની મનું ઉર્ફે માનભાઈ બાબુભાઈ ખાસીયાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બંન્ને શખ્સોને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.