ગીર સોમનાથ જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓ ફરી એકવાર મેદાને આવ્યાં હતાં. કોડીનારના છારા ઝાંપા વિસ્તારથી નિવૃત્ત કર્મચારીઓએ રેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું અને પોતાની માંગણીઓ નહિ સંતોષાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી.
નિવૃત્ત કર્મચારીઓ કે, જે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની અનેક માંગણીઓને સરકાર સમક્ષ હાથ લંબાવી બેઠા છે. કારણ કે વર્ષો સુધી એટલેકે વૃદ્ધાવસ્થા સુધી જેતે અર્ધ સરકારી વિભાગોમાં કર્મચારીઓ નોકરી કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે વૃદ્ધાવસ્થામાં પોતાને થતાં અન્યાયને લઈ મેદાને આવ્યા છે. કારણ કે પોતાના જ પગારમાંથી કપાત થતા રૂપિયાનું યોગ્ય વળતર મળતું નથી અને માત્ર થી 3 હજાર પેન્શન મળે છે. જે હાલની મોંઘવારીમાં પરવડે તેમ નથી, એટલે 7500 રૂપિયા પેન્શન મળે તેવી માગ કરવામાં આવી છે.
સાથે મોંઘવારી ભથ્થું અને મેડિકલ સુવિધા પણ મળે જેથી જીવન યોગ્ય રીતે જીવી શકાય. જોકે વર્ષ 2015થી દેશભરમાં અલગ અલગ જગ્યાએ થતાં આંદોલનોને લઈ હવે ગુજરાતમાં પણ નિવૃત કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે. કે, આવેદનો અને આંદોલન કરવા છતાં કેન્દ્ર સરકારે આજ દિન સુધી યોગ્ય નિર્ણય કર્યો નથી. ત્યારે હવે જો ટુક સમયમાં તેઓની માગ સંતોષવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન તો કરશું, પરંતુ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કરવાની ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.