હાલ હોળી-ધુળેટીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતની બોર્ડર પર આવેલા દીવમાં પ્રવાસીઓ અને તેમાં ખાસ કરીને યુવાનો પાર્ટી માણવાં પહોંચ્યા છે. દીવમાં લીકર પીવાની પરમિટ હોવાથી અમુક જુવાનીઆઓ વધુપડતો જ નશો કરીને પોતાનું ભાન ખોઈ બેસતા હોય છે. એવામાં આજે દીવમાં 2 રાજકોટિયન યુવકો નશાની હાલતમાં સરકારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી પોલીસ જોડે હંગામો કર્યો હતો. રસ્તા પર ગાળાગાળી કરીને બબાલ કરતા ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ રહી હતી.
સ્વિફ્ટ અને સ્કોર્પિયો વચ્ચે ટક્કર
દીવમાં મુખ્ય રોડના કામને લીધે વન વે રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. જેને કારણે દીવ હોસ્પિટલ નજીક સ્વીફ્ટ કાર અને સરકારી સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત સર્જાયેલી કારમાં રહેલા કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. પરંતુ સ્વિફ્ટ કારના બંને શખસે નશાની હાલતમાં મેઈન રોડ પર પોલીસ સાથે હંગામો કર્યો હતો. જેથી મુખ્ય રોડ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બંને શખસ રાજકોટના રહેવાસી છે.
નબીરાઓએ નશાની હાલતમાં પોલીસ સાથે હંગામો કર્યો
આ બંને શખસ ખુલ્લેઆમ ટ્રાફિક વચ્ચે ભૂંડી ગાળો આપતા નજરે પડ્યા હતા. એક કલાક સુધી ચાલી બોલાચાલી ચાલુ રહી હતી. ત્યાં રહેલા લોકો પણ આ તમાશાને મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા. આ શખ્સોના કારણે ટ્રાફીકમાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આ બંને શખ્સો દીવની જનતા તથા રાષ્ટ્રીય નેતાઓને ગાળો દેતા નજરે પડ્યા હતા.
લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં
આ સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ થઈ ગઈ હતી. આ શખ્સોએ મુખ્ય રસ્તા પર જ હંગામો ઊભો કરતાં લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં. વાહન ચાલકોને પણ હેરાન હાલાકી ભોગવવી પડી હતી. આ શખ્સોએ પોલીસ જવાન સાથે ઝઘડો કર્યો હતો. તેથી અન્ય આઠથી દસ પોલીસ જવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ શખ્સોને PCR કારમાં દીવ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.