કાર્યવાહી માટે તજવીજ:સનવાવમાં ડુપ્લીકેટ દવાની તપાસ ખેતર સુધી પહોંચી, પંચરોજકામ થયું

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાંથી 6 અધિકારીની ટીમે નિરીક્ષણ કર્યું, હવે કાર્યવાહી માટે તજવીજ

ગીરગઢડાના સનવાવ ગામના ખેડૂતે ગીરગઢડાના જામવાળા રોડ પર આવેલ શ્રીહરી એગ્રો કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર નામની દુકાનમાંથી તા.9 અને 19 જુલાઈનાં મગફળી અને સોયાબીનના પાકમાં છાંટવા માટે જંતુનાશક દવા ખરીદેલ અને દવાનો છંટકાવ કર્યો હતો.પરંતુ પાકમાં કોઈપણ જાતની અસર જોવા ન મળતા આ સંદર્ભે ખેડૂત તેમની દુકાને ગયેલ અને ખેડૂતને ગાળો ભાંડી દુકાનમાંથી કાઢી મુકતા ખેડૂત કિશોરભાઇ મનસુખભાઇ પરમારે આ નંતુનાશક દવા ડુપ્લીકેટ હોવાની શંકા વ્યક્ત કરતા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.

જે અંગે 22 જુલાઈના ‘દિવ્યભાસ્ક’માં અહેવાલ પ્રસિધ્ધ થતાં આજરોજ ગીરસોમનાથ જિલ્લામાંથી 6 જેટલા ખેતીવાડી અધિકારીની ટીમ સનવાવ ગામે કિશોરભાઇનાં ખેતરે તપાસ અર્થે પહોંચી હતી. અને ખેડૂત પાસેથી રજે-રજની વિગત મેળવી હતી. અને જે ખેતરમાં દવાનો છંટકાવ કર્યો હતો. તે ખેતરનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યા બાદ પંચરોજ કામ કરાયું હતું. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, નિંદામણ નિયંત્રણ માટે શ્રીહરી એગ્રો કેમિકલ્સ ગીરગઢડામાંથી બીલ વાળી જંતુનાશક દવા ખરીદી કરી હતી તે દવાનો છંટકાવ કરતા અને અધિકારીની તપાસમાં આ દવાના છંટકાવથી નિંદામણ બિલકુલ કંટ્રોલ થયેલ નથી.

તેમજ આ દવા ડુપ્લીકેટ હોવાનું ખેડૂતને જણાતા તેમણે ઓરીજનલ દવાની પણ ખરીદી કરી અન્ય બીજા એક ખેતરમાં દવાનો છંટકાવ કરતા નિંદામણને પુરે પુરૂ નિયંત્રણ મળેલ છે. જ્યારે પંચરોજ કામમાં સૌથી મહત્વની વાતનો ઉલ્લેખ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખેડૂત દ્રારા તા.9 જુલાઈના ખરીદેલ દવાનંુ કન્ટેનર ત્યાર બાદ તેજ કંપનીની દવાનું કન્ટેનર તપાસતા બનાવટમાં તથા તેના સ્ટીકરમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળેલ છે. આમ અધિકારીઓ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ કરી પંચરોજકામ કરાયું હતું.

આ પંચરોજકામ પરથી સ્પષ્ટ જણાય આવે છે કે, શ્રીહરી એગ્રો કેમિકલ્સ દ્વારા ખેડૂતને ડુપ્લીકેટ દવા ધાબડી હોવાની શંકા નકારી શકાય એમ નથી. ત્યારે હવે આગળની કાર્યવાહી તપાસનીશ અધિકારી દ્વારા હાથ ધરાશે. બીજી તરફ જે કંપનીની દવાના નામે ડુપ્લીકેટ દવા વહેચેલ છે તે કંપની પણ કાનુની કાર્યવાહી કરવા માટે આગળ આવે એવી ખેડૂતોમાંથી માંગ ઉઠવા પામી છે. તેમજ ગીરગઢડાના આ વેપારી દ્વારા કેટલાક ખેડૂતોને આવી દવા ધાબડી છે તેની પણ તટસ્થ તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાડ બહાર આવવાની પુરી શક્યતા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...