ઊના શહેરમાં મકરસંક્રાતિ પર્વને લઈ પતંગ અને દોરીઓના વેંચાણ માટે સ્ટોલ શરૂ થયા છે. ત્યારે જ ચાઈનીઝ દોરીના વેંચાણને લઈ વનવિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. અને આકાશમાં ઉડતા પક્ષીઓને ઈજા ન પહોંચે તેમજ માનવ જીંદગીને ઈજા કે નુકસાન ન થાય એ માટે પ્લાસ્ટીક કે ચાઈનીઝ દોરીનું વેંચાણ ન કરવા સૂચના અપાઈ હતી.
જશાધાર રેન્જનાં આરએફઓ એલ.બી.ભરવાડે જણાવ્યું હતું કે, વનવિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે 1962 હેલ્પ લાઈન શરૂ કરાઈ છે. તેમજ ઊના અને ગીરગઢડા ફોરેસ્ટ કોલોની ખાતે સારવાર કેન્દ્ર ઉભુ કરાયું છે. અને સાંજના સમયે પક્ષીઓની અવરજવર વધુ હોય પતંગ ન ચગાવવા અપીલ કરી હતી. આ તકે ઊના નવાબંદર રાઉન્ડ ફોરેસ્ટ વિભાગનાં એસ.ડી.બારોટ, બી.જી.સોલંકી, એસ.જી. કલાડીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
માણાવદરમાં પોલીસે પતંગ સ્ટોલ પર ચાઈનીઝ દોરીને લઈ ચેકીંગ કર્યું
માણાવદરમાં મકરસંક્રાંતિના પર્વને લઈ પતંગનાં સ્ટોલ શરૂ થયા છે. જેમાં ચાઈનીઝ દોરીનું વેંચાણ અટકાવવા પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. માણાવદર પીએસઆઇ કે.બી. લાલકા તથા પોલીસ સ્ટાફે શહેરના પતંગ, દોરા ફીરકી જેવા વેચતા સ્ટોલોમાં ચાઈનીઝ દોરા ના વેચાય તે માટે ચેકિંગ હાથ ધર્યું હતું અને કોઈ ચાઈનીઝ દોરી, તુક્કલ ન વાપરે તેની કાળજી રાખવા અપીલ કરી હતી. અને જો આવા કોઈ પણ પ્રકારની વસ્તુઓ મળશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરાશે એમ પીએસઆઇ કે. બી. લાલકાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.