ઊના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે રોડ પર સામાન્ય વરસાદ પડતા જ ડાંમર ઉખડી જતાં મગરમચ્છ જેવા રોડ અને મસમોટા ત્રણ ફુટના ખાડા પડી ગયા છે. ઉના રેલ્વે ફાટકથી ટાવર ચોક, પોલીસ લાઇન, ત્રિકોણ બાગ, બસસ્ટેશન, વડલા ચોક જેવા શહેરના મુખ્ય રસ્તા પર ખાડા અને કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
રસ્તા રિપેર કરવા તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનો એક્શન લેવામાં આવ્યો નથી
છેલ્લા ઘણા સમયથી એટલે કે ચોમાસની શરૂઆત થઈ ત્યારથી જ વરસાદના કારણે રસ્તાની હાલત ખરાબ થઈ છે. રસ્તાને રિપેર કરવા માટે આંદોલન તેમજ અનેકવાર રજૂઆતો તંત્રને કરવા છતાં તંત્રના પેટનું પાણીય હલતુ નથી. આ મુખ્ય રસ્તા પરથી તંત્રના અધિકારીઓ પદાધિકારો પસાર થતાં હોવા છતાં ખાડા નજરે ન પડતા હોય તેમ રસ્તાની મરામત કરાવામાં આવતી નથી. જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ, અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રસ્તા પરથી મોટા વાહનો પણ હોળીની જુલતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ બિસ્માર ખાડાના કારણે અકસ્માતનો ભય વાહન ચાલક લોકોને સતાવી રહ્યો છે. જોકે રોજના હજારો વાહન ચાલકો પસાર થતાં હોય ત્યારે અવાર નવાર બાઇક સ્લીપ થવાની ઘટના રોજીંદી બની ગયેલ હોય ત્યારે અકસ્માતમાં કોઇનો ભોગ લેવાય તેની તંત્ર રાહ જોઇ બેઠુ છે કે શું ? તેવો ઘાટ સર્જાયેલ.
ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી
ઉના શહેરના હાઇવે રસ્તો બિસ્માર હોવાના કારણે ધારાસભ્ય પુંજાભાઈ વંશે ડે.કલેકટરને અગાઉ લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ જાતની યોગ્ય કાર્યવાહી ન થતાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ પ્રાંત કચેરી ખાતે રૂબરૂ જઇ ડે. કલેક્ટરને આ અંગેની રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.