તંત્ર કાર્યવાહી કેમ નથી કરતું?:ઊનાથી થોડે દુર આવેલા નાંદરખ ગામમાં 14 વર્ષ પહેલા આંગણવાડી કેન્દ્ર બન્યું કબજો ન સોંપતાં દીપડાનું ઘર બની ગયું

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત કચેરીના 10 બાય 12નાં રૂમમાં 35 બાળકોનું ઘડતર, લાઈટ, પંખાની સુવિધા નથી

ઊનાથી 20 કિમી દૂર આવેલ નાંદરખ ગામે એક હજારની વસતી છે અને વર્ષ-2008,09માં ઝાપા પાસેના સ્મશાન ગૃહ નજીક આંગણવાડી કેન્દ્ર બનાવાયું હતું. જે ચલાવવા કેન્દ્રના મુખ્ય સેવિકાને કબજો સોંપવામાં ન આવતા 14 વર્ષથી પડતર રહેતા જર્જરિત બન્યું છે. અને વન્યપ્રાણી દીપડાનું ઘર બની ગયું છે.

બારી-દરવાજા પણ સલામત જોવા મળતા નથી
આ ઉપરાંત બાવળ પણ ઉગી નિકળ્યા છે. અને બારી-દરવાજા પણ સલામત જોવા મળતા નથી. વર્કર ભારતીબેન બાંભણીયાએ કહ્યું હતું કે, કેન્દ્ર ગામની પ્રા.શાળામાં 13 વર્ષથી ચાલતુ તું ત્યાં રૂમો પાડી નાંખતા સેવાભાવિ અગ્રણી ધીરૂભાઈ ગોહિલે પોતાનું મકાન આપ્યું હતું. ત્યાં 18 માસ સુધી કેન્દ્ર ચલાવ્યા બાદ પંચાયત કચેરી હેઠળના 10 બાય 12નો પહોળો રૂમ અપાયો છે. જેમાં લાઈટ, પાણીની સુવિધા નથી.

સરકારે આંગણવાડી કેન્દ્રો ભાડે રાખવા પરીપત્ર બહાર પાડ્યો​​​​
આ કેન્દ્રમાં બાળકોની સંખ્યા પણ વધુ આવી શકે છે. પરંતુ બેસાડી શકાય એવી વ્યવસ્થા નથી. આ ઉપરાંત સગર્ભા માતાઓને અપાતા ખોરાક સહિતની કામગીરી આ ઓરડામાં જ થાય છે.​​​​​​​ બાળકોને નાસ્તો પણ એક જ ઓરડીમાં અપાય છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, સરકારે આંગણવાડી કેન્દ્રો ભાડે રાખવા પરીપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં શ્રેષ્ઠ સુવિધાઓ સાથે 1 હજાર ભાડુ ચૂકવવા આદેશ કરાયો છે. પરંતુ નજીવી રકમમાં કોઈ સારુ મકાન મળી શકતુ નથી.

રમકડા ધૂળ ખાઈ રહ્યાં છે
આઈસીડીએસ વિભાગ દ્વારા 5 વર્ષ પહેલા દરેક આંગણવાડી કેન્દ્રને 5 લાખની કિંમતના વિવિધ પ્રકારના રમકડા અપાયા હતા. જેથી બાળકો મનોરંજનની સાથે અભ્યાસ પણ કરી શકે. પરંતુ જગ્યાના અભાવે નાના ઓરડામાં માત્ર 200 રૂપિયા ભાડુ ચૂકવી કેન્દ્ર ચલાવાતુ હોય જેથી રમકડા કોથળામાં પેક કરી ધુળ ખાતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

શું કહે છે અધિકારી ?
આ અંગે ઊના આઈસીડીએસના સીડીપીઓ દર્શનાબેન પુરોહિતે કહ્યું હતું કે, પંચાયત કચેરી હેઠળ આવતી જમીન ફાળવણી કરવા ઠરાવ મંગાયો છે. જે મળતા નવા બાંધકામની ગ્રાન્ટ માંગીશુ. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે, 14 વર્ષ પહેલા બનેલી આંગણવાડીનો કબજો કેમ સોપાતો નથી. કામ અધુરુ છતા બિલ કોણે ચૂકવ્યું. સ્મશાન ગૃહ પાસે જગ્યા ફાળવવાનો હેતુ શું. ખંઢેર હાલતમાં પડેલી આંગણવાડીનું રીનોવેશન કરી ફરી શરૂ ન કરી શકાય ? તંત્રને જાણ હોવા છતાં નવી આંગણવાડી માટે કાર્યવાહી કેમ નથી કરાતી એ પણ એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...