ઉનામાં હોલસેલની દુકાનમાં અચાનક આગ:તમામ ચીજ વસ્તુઓ બળીને ખાક; લાખો રૂપિયાનું નુક્સાન; 3 કલાકથી વધુની જહેમત બાદ આગને કાબુમાં લીધી

ઉનાએક મહિનો પહેલા

ઉના શહેરમાં એક હોલસેલ દુકાનમાં રાત્રિના સમયે કોઈ કારણોસર અચાનક આગ લાગતા ગોળી, બિસ્કીટ, વેફર સહીતની ચીજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. નગર પાલિકા ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગને બુજાવી હતી. આ આગની ઘટનામાં દુકાન માલિકને લાખો રૂપિયાનું નુક્સાન થયાનુ જાણવા મળી રહ્યું છે.

મહામુસીબતે આગને કાબુમાં લીધી
ઉના શહેરમાં સોમનાથ માર્કેટ વિસ્તારમાં આવેલી રાજ માર્કેટીંગ નામની દુકાનમાં મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર અચાનક આગ લાગતા દુકાનમાં રહેલો સર સામાન સહિતનો હોલસેલનો વિવિઘ ચીજવસ્તુઓનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. મોડી રાત્રે પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ દ્વારા દુકાન માલિક રઈશભાઈને જાણ કરતા તાત્કાલિક દુકાને પહોંચી ગયા અને નગર પાલિકા ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી રાત્રિનાં ત્રણ વાગ્યાની સવારના નવ વાગ્યા સુધી સતત આગ પર પાણીનો મારો ચલાવી ત્રણ કલાકથી વધુ સમયની જહેમત બાદ મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી.

દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન
આ આગની ઘટનામાં માર્કેટીંગ હોલસેલની દુકાનમાં રહેલી તમામ ચીજ વસ્તુઓ આગમાં બળીને ખાક થઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ હોય જોકે આગ સોર્ટ સર્કિટથી થયું હોવાનુ અનુમાન છે. પરંતું આગની ઘટનાનું સાચું કારણ જાણવા મળ્યું નથી. આ બનાવમાં દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...