જયેશ ગોંધિયા
લોકો લગ્નતિથિની ઉજવણી કરતા હોય છે. પણ ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના એક યુવાને છૂટાછેડાની પેંડા વહેંચીને ઉજવણી કરી છે. એક વર્ષ પહેલાં છૂટાછેડા થયા ત્યારે બધાને પેંડા વહેંચ્યા હતા એ રીતે એ ઘટનાના 1 વર્ષ બાદ પણ તેની ઉજવણી ચાલુ રાખી છે.ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના ભરતભાઇ કોટડિયાના લગ્ન 2018 માં કોદિયા ગામની જ્ઞાતિની જ એક યુવતી સાથે રીતિ રિવાજ મુજબ થયા હતા. 3 વર્ષ સુધી બંનેનો ઘરસંસાર ચાલ્યો. જેમાં સતત ઘરકંકાસને લીધે તેમણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.
છેક 2021માં બંનેના છૂટાછેડા થયા. એ વખતે તેમણે પોતાના છૂટાછેડાની ઉજવણી કરી. સગાં-વહાલાં, મિત્રો, ઓળખીતાને પેંડા વહેંચ્યા હતા. આથી એ વખતે સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ખૂબજ વાઇરલ થઇ હતી. ભરતભાઇને વિદેશથી પણ આ માટેના ફોન આવતા. ભરતભાઇ પાનનો ગલ્લો ધરાવે છે. તાજેતરમાં જ તેમના છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં તેમણે ફરી બધાને પેંડા ખવડાવી છૂટાછેડાના 1 વર્ષની ઉજવણી કરી હતી. આ વાત એટલી બધી ચર્ચાસ્પદ બની હતી કે, આ પંથકમાં ક્યાંય ડાયરો હોય તો કલાકાર પણ ભરતભાઇના છૂટાછેડાની ઉજવણીની કહાણી પોતપોતાની આગવી ઢબે રજૂ કરી લોકોને હસાવે છે.
ફરીથી તો પરણીસ જ
ભરતભાઇ કહે છે, જો સારું પાત્ર મળશે તો ફરીથી જરૂર લગ્ન કરીશ જ. એકવાર છૂટાછેડા થયા તો શું થઇ ગયું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.