ઉનામાં રહેતો અને દીવ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક અને આર્ટિસ્ટિક યોગ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવી શહેરનું નામ રોશન કર્યું હતુ. હવે સમગ્ર પ્રદેશનું મહારાષ્ટ્ર ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરશે.
નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન નવી દિલ્હી દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- 2022 દમણ ખાતે યોજાઈ હતી. આ રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં કેન્દ્રીય વિદ્યાલય દીવ ખાતે ધો.6માં અભ્યાસ કરતાં માત્ર 10 વર્ષના ઉના નિવાસી વિરાટ હિમાંશુ જોશીએ સબ જુનિયર કેટેગરીમાં પરંપરાગત યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક અને આર્ટિસ્ટિક યોગ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક મેળવીને તેમના વિદ્યાલય, દીવ તથા સમગ્ર ઉના શહેરનું નામ રોશન કર્યું હતું.
આ અગાઉ તેઓએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની રિજનલ સ્પોર્ટ્સમાં પણ કે.વિ. અંકલેશ્વર ખાતે ઉજવળ દેખાવ કરેલો છે. દીવ જિલ્લાની યોગાસન સ્પર્ધામાં પણ તેઓએ રજતચંદ્રક અને સુવર્ણચંદ્રક મેળવેલા છે. અભ્યાસ, રમતગમત, સંગીત, કરાટે, ચિત્ર તથા વિવિધ વિષયની રાષ્ટ્રીય સ્તરની ઓલીમ્પિયાડ સ્પર્ધામાં પણ તેમનો દેખાવ પ્રશંસનીય રહેલો છે. અભ્યાસકીય અને સહાભ્યાસકીય ક્ષેત્રમાં તેમની ઉજ્જવળ સફળતા તેમની નિયમિત સખત મહેનત અને ધ્યેય સમર્પિતતાનું પરિણામ છે. હવે તેઓ સમગ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ મહારાષ્ટ્ર ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.