દીવના ઘોઘલા ખાતે દર વર્ષે હોળીના તહેવાર બાદ મઢી પર્વ એટલે શંકર પાર્વતીની પાલખી યાત્રાનો ઘાર્મિક કાર્યક્રમ યોજાય છે. જેમાં શંકર પાર્વતીની પાલખી યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દીવના સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા મઢી પર્વની ઉજવણી ખૂબ જ આસ્થાથી અને શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. આ મઢી પર્વ એક માત્ર એવો પર્વ છે જે માત્રને માત્ર ઘોઘલા ખાતે યોજાય છે. મઢી પર્વમાં ખારવા સમાજની સાથે સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા.
મઢી પર્વ નિમિત્તે નવનિયુક્ત પટેલ શશીકાંત સરમત બારીયા અને કોટવાળ તરીકે રમેશ કાળાની હાજરીમાં શંકર પાર્વતીની પાલખી યાત્રા નીકળી હતી. મઢી પર્વ દરમિયાન શિવ પાર્વતીની પાલખી યાત્રા ઘોઘલામાં જે ચોરાનો વારો હોય તે ચોરામાંથી નિકળે છે. આજે મીઠાબાવાના ચોરાથી આ પાલખી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે ચાચરના ચોરે, ખીરેશ્વરના ચોરે, લાખાપરમારના ચોરે, સિકોતરના ચોરે, મંગળના ચોરે અને પટેલના ચોરેથી ગલીએ ગલીમાં થઇને લોકોને દર્શનનો લાભ આપ્યો હતો.
આ પાલખી યાત્રામાં શંકર પાર્વતીની ભકતો દૂધ, ફૂલ, ધાણી, ચોખા, કંકૂ, અબિલ, ગલાલ વગેરેથી પૂજા અર્ચના કરે છે. ભગવાનના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે. સાથે યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ સતત ભજન કીર્તન કરે છે. આ મઢી પર્વ સાથે ખારવા સમાજના લોકોની ખાસ આસ્થા જોડાયેલી છે. તેઓ પાલખીની નીચેથી નાના બાળકો કાઢી અને ભગવાન પાસે બાળકોની સુરક્ષા માટે આશીર્વાદ લે છે.
આ પ્રસંગે દીવના કલેક્ટર ફવર્મન બ્રહ્મા, એસપી મની ભૂષણસિંહ અને મામલતદાર ધર્મેશ દમણિયા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, દીવ જિલ્લા બીજેપી પ્રમુખ બિપિન શાહ, નગરપાલિકા કાઉન્સિલરો, દીવ ખારવા સમાજના પટેલ મગનલાલ ગોકળ, ઘોંઘલા ખારવા સમાજના પૂર્વ પટેલ જમનાદાસ ઘેડિયા, રાજનેતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં ખારવા સમાજના હોદેદારો, સમાજના લોકો સહીત જોડાયા હતા અને ખૂબ જ હર્ષોલ્લાસથી પાલખી યાત્રાને સફળ બનાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.