2015ના હત્યા કેસનો ચુકાદો:દીવની સેશન્સ કોર્ટમાં 8 વર્ષથી ચાલી રહેલા હત્યાના કેસની સુનાવણી; જજે 10 વર્ષની સખત કેદ અને રૂ. 55 હજારનો દંડ ફટકાર્યો

ઉના2 મહિનો પહેલા

વર્ષ 2015માં એક સામાન્ય બાબતે યુવાનની હત્યામાં દીવની સેશન્સ કોર્ટમાં 8 વર્ષથી ચાલી રહેલા હત્યાના કેસની સુનાવણી દરમિયાન સેશન્સ જજ પી. કે. શર્માએ આરોપી રામજી કાનજી બારીયાને હત્યાનો દોષિત ઠેરવ્યો હતો. અને તેને 10 વર્ષની સખત કેદ અને રૂ. 55 હજારનો દંડની સજા ફટકારી હતી. અને તેમના પુત્ર રમેશ ઉર્ફે મિથુન રામજી બારિયાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુક્યો હતો.

ઝુંપડામાં આગ લાગી
પ્રાપ્ત માહિતી અનુસાર 2 મે 2015ના રોજ રાત્રે 8.30 વાગ્યે સાઉદવાડી ફાફણી વાડીમાં જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી. કોઈએ પાર્ટીમાં ફટાકડા ફોડ્યા જેથી પાડોશી બાબુ રામા બારિયાના ઝુંપડામાં આગ લાગી હતી. ઘરે હાજર બાબુ રામા બારિયા, તેમની પત્નિ ધનીબેન અને પુત્ર વધુ લિલાવંતીએ સાથે મળીને આગને બુઝાવી હતી. આગ બુઝાવતી વખતે બાબુ રામા અને પડોશી રામજી કાનજી અને રમેશ ઉર્ફે મિથુન રામજી વચ્ચે બોલાચાલી થઈ હતી.

લાકડાં વડે ઘા મારતાં લોહી વહ્યું
રામજી કાનજીએ ગુસ્સામાં આવીને બાબુ રામાના માથામાં અને ખંભામાં લાકડાં વડે ઘા મારતાં બાબુ રામાના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. ઈજાગ્રસ્ત બાબુ રામાને પ્રથમ ઘોઘલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદમાં વધુ તબિયત બગડતાં ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દીવ પોલીસે આ ગંભીર ધટનામાં માત્ર IPCની કલમ 323 હેઠળ સામાન્ય ઈજાનો ગુન્હો નોંધી ઉના હોસ્પિટલમાં જઈને બાબુ રામાનું નિવેદન લઈ અને મેડિકલ રિપોર્ટના આધારે 323ના ગુનાને 307માં બદલ્યો હતો.

એક અચાનક ઘટેલી ઘટના
પોલીસને નિવેદન આપ્યા બાદ બાબુ રામાની તબિયત વધુ બગડતાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 10 દિવસ બાદ બાબુ રામાનું મૃત્યુ થતાં તપાસ અધિકારી PSI વાલજી દેવાએ 307ની કલમને 302 હત્યામાં બદલી ગુનોં દાખલ કર્યો હતો. નવા તપાસ અધિકારી PSI ધનજી જાદવે વર્ષ 2015ની 29 મી જુલાઈએ દીવ સેશન કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ ઘટનામાં દીવ, ઉના, રાજકોટના ડોક્ટરોના રિપોર્ટ આઈ વિટનેશ સહિત 12 સાક્ષીઓ અને મૃત્યુ પહેલાં મૃતક બાબુ રામાના નિવેદનને માન્ય રાખી રામજી કાનજીને બાબુ રામા સાથે કોઈ દુશ્મની ન હતી. આ એક અચાનક ઘટેલી ઘટના હતી.

દલીલો કરીને આરોપીને જેલ ભેગો કર્યો​​​​​​​
જજે તમામ પુરાવા અને ડૉક્ટરોના રિપોર્ટના આધારે આરોપીની ઉંમર અને અનેક રોગોથી પીડિત હોય તેનું ધ્યાન રાખતાં 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 55 હજારનો દંડ ફટકાર્યો હતો. અને તેમના પુત્રને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યો હતો. આ હત્યાના કેસમાં સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાય અને ટી. આર. દેસાઈએ જોરદાર દલીલો કરીને આરોપીને જેલ ભેગો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...