સૌરાષ્ટ્રનો મીઠો સ્વાદ એટલે કેસર કેરી રંગ જોતા જ મોઢામાં પાણી આવી જાય પરંતુ બે વર્ષ પહેલા તાઉતે વાવાઝોડું ફૂંકાતા ઊના-ગીરગઢડા પંથકની બાગાયતી ખેતી ધરાવતા આંબાના હજારો વૃક્ષો ધરાશાયી થઈ જતા બાગ-બગીચા ધરાવતા ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. પરંતુ કુદરતી આફતને અવસરમાં બદલી ખેડૂતો આંબાને બચાવવા કામે લાગી ગયા હતાં. અને બે વર્ષની મહેનત પછી આંબામાં કેસરી કેરીનાં ફળ જોવા મળતાં ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.
ઊના તાલુકાના ઉમેજ, સામતેર, પાતાપુર, મોઠા, અંજાર, કોઠારી, કાણેકબરડા સહિતના ઊના-ગીરગઢડા તાલુકા ગ્રામિણ વિસ્તારોમાં કેસર કેરીનાં બાગ બગીચા મોટાપાયે ધરાવતાં ખેડૂતોએ વર્ષોની મહેનતથી વાવેલા આંબાને બચાવેલ હતાં. તેમજ નાના વૃક્ષનું વાવેતર કરીને ફરી વખત આંબાનું માવજત કરતા આંબાના ઝાડમાં મોર ફુલ જોવા મળ્યા હતા. અને સમય જતાં કેસર કેરી આવવા લાગતા આ વર્ષે ખેડૂતોને 50 ટકા આંબામાં કેરીનો પાક મેળવીને આવક મળી શકશે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. - તસ્વીર. જયેશ ગોંધીયા
નાના વૃક્ષમાં કેરી વધારે જોવા મળશે : ભાવુભાઈ ચાવડા | ખેડૂત અગ્રણી તા.પં.નાં કારોબારી ચેરમેન ભાવુભાઈ ચાવડાના જણાવ્યા મુજબ કેરીનું ઉત્પાદનમાં નાના વૃક્ષમાં કેરી વધારે જોવા મળી રહી છે. અને તેના કારણે આંબાના ઈજારેદારને ખેડૂતો સાથે ફાયદો થશે.
સારૂ ફળ જોવા મળશે : હામાભાઈ ગોહીલ | ઉમેજના હામાભાઈ ગોહીલે કહ્યું હતું કે, ચાલું વર્ષે આંબામાં કેરીનું સારૂ ફળ જોવા મળ્યા હોવાથી બે વર્ષ બાદ સૌરાષ્ટ્રની માર્કેટમાં ઊના પંથકની કેસરી કેરીનો સ્વાદ લોકો માણી શકશે. પરંતુ ઉત્પાદન ઓછું હોવાનાં કારણે લાંબો સમય સુધી કેસર કેરી બજારમાં જોવા મળશે નહીં.
ચાલુ વર્ષે અસલી કેસર કેરીનો સ્વાદ ચાખવા મળશે | સૌરાષ્ટ્રમાં મોટાં શહેરોમાં ઊના ગીરગઢડા પંથકની કેસર કેરી બજારમાં જોવા મળતી હતી. અને દરરોજની 50 થી વધુ નાનાં મોટા વાહનો દ્વારા 5000થી વધું બોક્ષ માર્કેટમાં ઠલવાતા હતાં.
તેનાં કારણે શ્રમિકો વાહન ચાલકો ખેડૂતો બોક્ષ માર્કેટ અને દલાલી કરતાં એજન્ટોને રોજીરોટી મળી રહેતી. પરંતુ બે વર્ષથી આ કેસર કેરી બાગનો સફાયો થયો હતો. તેનાં કારણે ધંધો બંધ થતાં ખેડૂતોએ પણ પોતાનાં બાગની કેરીનો સ્વાદ માણ્યો ન હતો. કચ્છ ગુજરાત અને બહારનાં વિસ્તારોની જુદીજુદી કરી માર્કેટમાં આવતી પરંતુ કેસર કેરીનાં સ્વાદ સામે ટકી શકેલ નહીં આ વર્ષ લોકોને અસલી કેસર કેરીનો સ્વાદ ચાખવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.