ઉનાના ખડા ગામની સરકારી પ્રાથમિક શાળાની સામે આવેલા જાહેર કુવાના કાંઠા પાસે 17 વર્ષીય સગીરા ઘરેથી કપડા લઈ ધોવા માટે આવી હતી અને દોરડા વડે વાસણ બાંધીને પાણી સીંચવા જતાં અકસ્માતે કુવામાં ખાબકી હતી. આ દ્રશ્ય ત્યાં રમતા શાળાના બાળકોએ નજરે નિહાળી ઘુબાકાના અવાજ સાંભળી બુમાબુમ મચાવતા શાળાનાં શિક્ષકો દોડવા લાગ્યા હતા. આ જ સમયે ત્યાંથી પેટ્રોલિંગમાં નિકળેલા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ચૌહાણે બુમાબુમ સાંભળતા કંઈ પણ વિચાર કર્યા વગર પોતાની જીંદગી જોખમમાં મુકી દોરડાની ટ્રેનિંગનાં અનુભવનો ઉપયોગ કરી માત્ર 50 જેટલી સેકન્ડમાં કુવામાં ઉતરી 35 ફૂટ ઉંડા કુવામાં પાણીમાં ડુબી રહેલી સગીરાને 3 મિનિટમાં જ દોરડાના સહારે કૂવામાંથી બહાર કાઢી લીધી હતી.
શાળાના આચાર્યની કારમાં સગીરાને નાખી તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને વર્ષા મેઘાભાઈ વાળાની જીંદગી બચાવીને માનવતાની ફરજ નિભાવી હતી. આ કર્તવ્ય અને નિડર પોલીસના જવાનની બહાદુરીને સમગ્ર ગ્રામજનો, શાળાના શિક્ષકો અને છાત્રોએ બિરદાવી હતી. પરીવારજનો દ્વારા પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ચૌહાણ તેમજ જોરુભાઈ મકવાણાનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ સાચા અર્થમાં પોલીસ પ્રજાનું દર્પણ હોવાનું લોકોને એહસાસ કરાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.