કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી:ઉના બાયપાસ પાસે સોમનાથથી સારંગપુર જતી યાત્રીકોની CNG કારમાં આગ લાગતાં 1નું મોત; કાર બળીને ખાખ

ઉનાએક મહિનો પહેલા

ઉનાના નાથડના બાયપાસ નજીક ગામ મોડી રાત્રીનાં સમયે હોન્ડા સિટી CNG કારમાં અચાનક આગ લાગતાં 1 યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે 2 નો આબાદ બચાવ થયો હતો. જેમાં બંને યુવાનોને ઈજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સોમનાથ દર્શન કરી સાળંગપુર જઈ રહ્યાં હતા
​​​​​​​અમદાવાદના સાંણદ તાલુકાનાં ત્રણ વ્યક્તિઓ કારમાં ફરવા માટે ગુરુવારે નીકળ્યાં હતાં. રાત્રીનાં સોમનાથ દર્શન કરી સાળંગપુર જઈ રહ્યાં હતા. ત્યારે ઉનાના નાથડ ગામના બાયપાસ પાસે અચાનક કારમાં આગ લાગતા ડ્રાઈવર ગભરાઈ ગયો હતો. જેથી સ્ટેરીંગનું કાબૂ ગુમાવી દેતા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને પગના ભાગે દાઝી ગયેલ હોઈ આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે અન્ય બે યુવાનો હેમખેમ રીતે બહાર નિકળી ડ્રાયવરને પણ બહાર કાઢેલ, પરંતુ ડ્રાઇવરને મોડી રાત્રીનાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતુ અને બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો. બંને ઈજાગ્રસ્ત યુવાનોને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અને મૃતક યુવાનના મૃતદેહને પી એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

કાર ક્ષણવારમાં જ બળીને ભડથું થઈ ગઈ
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સાણંદના મેલાસણ ગામે રહેતાં મૃતક દિનેશભાઈ રતુભાઈ સેનવા ઉ. 40 ડ્રાઈવર, હંસુ રામ સાધુ ઉ.53 રહે. કુંડળ તથા પ્રહલાદ મોહન સેનવા ઉ.50 પંદર દિવસ પૂર્વે કાર ખરીદેલ હોય તેથી હરસિધ્ધિ માતાના દર્શન કરી, દ્વારકા, સોમનાથ સહિતના યાત્રાધામ થઈ સાળંગપુર દર્શનાર્થે પોતાની કારમાં સવાર થઈ નીકળેલા હતા. ત્યારે મધરાત્રે ઉના વેરાવળ હાઈવે પર આવેલ નાથળ ગામ નજીક પહોંચતા સીએનજી કારમાં અચાનક આગ ફાટી નીકળતા કાર ચાલક ડ્રાઇવરનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ૨ યુવકો સમય સૂચકતા વાપરી કારના દરવાજાઓ તોડી બહાર નીકળી ગયા હોવાનુ ઇજાગ્રસ્ત યુવાનોએ જણાવેલ હતું. આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એકનું મોત થયું હતું. આગની ઘટનાને પગલે નેશનલ હાઇવે પરનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. તેમજ કાર ક્ષણવારમાં જ બળીને ભડથું થઈ ગઈ હતી. ઇમરજન્સી 108ને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃતકને પી એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ ઉના ધારાસભ્ય પુંજાભાઈ વંશને થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતક યુવકના પરિવારને જાણ કરાતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...