અકસ્માત:ગીરમાં થોરડી ભાખા વચ્ચે કાર-ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 1 નું મોત,1 ને ઈજા

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊનાના ખત્રીવાડા ગામે શ્રમિકોને મુકી પરત જતી વેળાએ અકસ્માત નડ્યો

ગીરગઢડા નજીક ગીરજંગલમાં થોરડી–ભાખા ગામ વચ્ચે કાર અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું સારવારમાં મોત થયું હતું. એકને ગંભીર ઈજા પહોંચી હતી.આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના સરકડીયા ગામે રહેતા ચાંપરાજભાઇ સિંઘવ પોતાની કારમાં શ્રમિકો ભરી ઉનાના ખત્રીવાડા ગામે મુકવા ગયા હતા. અને ત્યાંથી મજુરોને મુકી પરત પોતાના ઘરે જતાં હતા.

એ દરમ્યાન ગીરગઢડા નજીક ગીરજંગલમાં આવેલ થોરડી-ભાખા ગામ વચ્ચે વળાંક પાસે ખોડીયાર મંદિર પાસે સામેથી પુરઝડપે આવતી ટ્રાવેલ્સ બસ નં. જીજે.04 ઝેડ 0786ના ચાલકે ગફલત ભરી રીતે ચલાવી કાર સાથી ધડાકાભેર ભટકાવી દેતા કાર ચાલક ચાંપરાજભાઇને માથાના કપાળના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતાં પ્રથમ ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડાયેલ ત્યાથી વધુ સારવાર માટે ઉના ખાનગી હોસ્પીટલ બાદમાં જુનાગઢ રીફર કરેલ ત્યાં પહોચે તે પહેલાજ મોત નિપજેલ હતું. તેમજ કારમાં બેઠેલ કૈશિકભાઇ કરશનભાઇ કેશવાલાને પણ ઇજા થઇ હતી. આમ અકસ્માતની ઘટના બનતા ટ્રાવેલ્સ બસ ચાલક વિરૂધ કૈશિકભાઇ કેશવાલાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...