ગીરનાં પાટનગર તાલાલા શહેરની હિરણનદીનાં કાંઠે આવેલ સુપ્રસિદ્ધ શ્રીબાઈ માતાજી આશ્રમ ખાતે આગામી 14 એપ્રિલનાં સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજનું 71મું વાર્ષિક મહાઅધિવેશન મળશે. જેમાં ભારત સહિત દેશ-વિદેશમાં વસવાટ કરતા સોરઠીયા પ્રજાપતિ સમાજનાં અગ્રણીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.
તાલાલા શ્રીબાઈ આશ્રમના પ્રમુખ ગોકળબાપા ડાભીના અધ્યક્ષ સ્થાને યોજાનારા અધિવેશન માટે તડામાર તૈયારી ચાલી રહી છે. શ્રી બાઈ આશ્રમના મંત્રી મુકેશભાઈ દેવળીયાએ જણાવ્યું હતું કે, અધિવેશનમાં સંસ્થાની નવી કારોબારીની રચના કરવા સાથે સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજના સર્વાંગી વિકાસ અને ભવિષ્ય માટે શ્રીબાઈ આશ્રમ ખાતે થનારા આયોજનોની ચર્ચા કરી યોગ્ય નિર્ણયો લેવાશે.
શ્રીબાઈ માતાજીના મંદિરના પુન: નિર્માણકાર્યની સમીક્ષા સાથે મંદિર નિર્માણને સંપન્ન કરવા જરૂરી આયોજનો કરાશે. તાલાલા સમસ્ત સોરઠીયા પ્રજાપતિ સમાજના યુવાનો અને શ્રીબાઈ આશ્રમ કારોબારીના સદસ્યો સંમેલનને સફળ બનાવવા તૈયારીઓ કરી રહ્યાં છે. સંમેલનમાં ઉપસ્થિત રહેવા વ્યસ્થાપક કમીટી દ્વારા જ્ઞાતિજનોને અપીલ કરવામાં આવી છે.
યાત્રાધામ બોર્ડમાં સમાવેશની માંગ બુલંદ બનાવાશે
ગુજરાત સહિત ભારતભરમાં વસતા સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા તાલાલા શ્રીબાઈ આશ્રમનો ગુજરાત યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરવા અગાઉ સરકાર સમક્ષ માંગ કરવામાં આવેલ છે. જ્યારે ચૂંટણી વર્ષ હોય ત્યારે ઠાલા વચનો મળે છે. પરંતુ આ માંગ પુરી થઈ નથી. જેથી આ અધિવેશનમાં શ્રીબાઈ ધામનો યાત્રાધામ બોર્ડમાં તાકિદે સમાવેશ કરવા પરિણામલક્ષી ઠરાવ કરી માંગ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.