લોક રોષ ભભૂક્યો:હિરણવેલમાં ગાયોના ઘાસચારા માટે બનાવેલ ગોડાઉન તોડી પડતા આક્રોશ

તાલાલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરોડોની પેશકદમી નથી દેખાતી ને ગૌમાતાનો નિભાવ નડ્યો, ગ્રામજનો કલેકટર પાસે પહોંચ્યા

તાલાલાનાં હીરણવેલ ગામનાં ગ્રામજનોએ વર્ષોથી જે સ્થળે ગામનાં ઘણ અને નિરાધાર ગાયોના ચરીયાણ માટેનો ગોંધરો વસાવેલ તે જગ્યાએ ગાયોના ઘાસચારા માટે બનાવેલ ગોડાઉન જંગલખાતાને આંખનાં કણાની જેમ ખુંચ્યુ અને આજે પોલીસ બંદોબસ્તની ઓથ હેઠળ જંગલખાતાએ ગૌમાતાનાં ઘાસચારાનાં ગોડાઉનને તોડી પાડતા વરસતા વરસાદે હીરણવેલનાં ગ્રામજનોની આંખો વરસી પડી હતી.

તાલાલા-સાસણ પંથકમાં જંગલખાતાની કરોડો રૂપિયાની કિંમતી જમીનની પેશકદમી થઈ ચુકી છે. ત્યાં જવાની હીંમત ન કરતા જંગલખાતાએ હિરણવેલ ગામની ગૌમાતાઓ માટે વર્ષોથી વપરાતા ગોંદરાની જમીનમાં ઘાસાચારા સંગ્રહનું બનાવેલ ગોડાઉન પેશકદમી ગણી તોડી પાડવા માટે આજે તાલાલાથી પોલીસ બંદોબસ્ત મેળવી હીરણવેલ પહોંચી ગયેલ અને ગ્રામજનોની રજૂઆત સાંભળવાના બદલે ગૌમાતાનાં ઘાસચારાનું ગોડાઉન તોડી પાડેલ. હીરણવેલનાં ગ્રામજનોએ ફંડફાળા કરી પથ્થરો દાનમાં મેળવી ઘાંસચારા માટે બનાવેલ ગોડાઉન તોડી પાડતા હીરણવેલ ગામનાં ગ્રામજનો ચોધાર આશુએ રડવા લાગ્યા હતા.

ગામની ગૌશાળાઓનો આશરો સત્તાના જોરે છીનવી લેવાતા ગ્રામજનો ચાર ટ્રેક્ટરો ભરી ઈણાજ જિલ્લા કલેકટર પાસે પહોંચેલા જ્યાં ગ્રામજનોએ આવેદન આપી હક્કિત જણાવતા જિલ્લા કલેકટર પણ બોલી ઉઠ્યા હતા કે, આ ઘાસચારાનું ગોડાઉન આ લોકોને નડ્યું ? ગામના યુવાનોએ પોલીસે પણ ધમકાવ્યા હોવાનો આક્ષેપ કરેલ જંગલખાતા સામે તાલાલા પંથકમાં ભારે લોકરોષ ભભૂકી રહ્યો છે.

હિરણવેલ ગામ તાલાલા રેન્જમાં ડીમોલીશન દેવળીયા રેન્જે કર્યું
તાલાલાનું હિરણવેલ ગામ ગીર પશ્વિમની તાલાલા રેન્જ હેઠળ આવે છે. પણ ગૌમાતાના ગોડાઉનનું ડિમોલીશન કરવા દેવળીયા રેન્જે કામગીરી કરી તેમાં પણ દેવળીયા રેન્જ મેંદરડા તાલુકામાં આવે તો મેંદરડા પોલીસનો બંદોબસ્ત લેવાના બદલે તાલાલા પોલીસનો બંદોબસ્ત મેળવી ગોડાઉન તોડી પડાયું.

અન્ય સમાચારો પણ છે...