ગીરજંગલમાં અનરાધાર:3 કલાકમાં 10 ઈંચ, ટ્રેન રોકી દેવાઈ, હિરણ, સરસ્વતી, કરકરી નદી ગાંડીતૂર, તાલાલા-ઊના, તાલાલા-કોડીનાર સ્ટેટ હાઈવે બંધ

તાલાલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીરજંગલને આજે મેઘરાજાએ ઘમરોળી નાંખતા ત્રણ કલાકમાં દસ ઈંચ વરસાદ ખાબકતા ગીરમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી બની ગઈ હતી. આજે ગીર જંગલ અને જંગલની બોર્ડરના ગામડાઓમાં અતિભારે વરસાદ ખાબકતા હિરણ નદી, સરસ્વતી નદી અને કરકરી નદીમાં ધોડાપૂર આવ્યા હતા.નદીઓમાં ભારે પૂરને લઈ વહિવટી તંત્ર સાબદુ બની ગયું હતું. તાલાલાની મામલતદાર ઓફીસ સામે હિરણ નદીના કાંઠે રહેતા સુરદાસ અને મંદબુદ્ધીના સાત લોકોને તાલાલા મામલતદાર દેસાઈએ રેસ્ક્યુ કરાવી સલામત સ્થળે ખસેડ્યા હતા.

તાલાલા હિરણ નદીના મોટાપુલ ઉપર લોકો ઘોડાપૂર જોવા ઉમટી પડતા તાલાલા પીએસઆઈ બાંટવાએ બંદોબસ્ત ગોઠવી લોકોને સલામતી બનાવવા અપીલ કરી હતી. તાલાલાનાં જશાપુર (ટૂંકા) રસુલપરા, વાડલા, ભોજદે સહિતના ગામોમાં જંગલની સાથે સાંબેલાધારે દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જ્યારે બોરવાવ, ધાવા, લૂશાળા, માધુપુર, સુરવા, અમૃતવેલમાં છ ઈંચ વરસાદ પડ્યો હતો. ભોજદેના સરપંચ સરમણભાઈએ જણાવેલ કે નદીનું પૂર કાંઠા તોડી ખેતરોમાં ઘુસતા ખેતરોમાં ગોઠણડુબ પાણી ફરી વળ્યા હતા. પોતાની જીંદગીમાં આવુ અભુતપૂર્વ પૂર જોયુ ન હોવાનું તેમણે કહ્યું હતું. તેમજ જશાધારની વાત કરીએ તો, અહીંયા જળબંબાકારની સ્થિતી જોવા મળી હતી.

હિરણ-1, હિરણ-2 છલકાવાની તૈયારીમાં, હેઠવાસનાં ગામોને કરાયા એલર્ટ
ગીર જંગલ મધ્યે આવેલ હિરણ-1 કમલેશ્વર ડેમ 42.5 ફૂટે ઓવરફલો થતો હોય ડેમમાં હાલ 38 ફૂટ પાણી જમા થયેલ છે. એંસી ટકા ભરાઈ જતા હેઠવાસના ગામો અને તાલાલા શહેરને એલર્ટ કરાયા છે. જ્યારે હિરણ-2 (ઉમરેઠી) ડેમ ગીર-સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ડેમ હોય તે ડેમમાં સવારે ત્રીસ ટકા જ પાણી હતુ. પરંતુ બપોરે એક વાગ્યાથી હિરણ નદીમાં ઘોડાપૂર આવતા હિરણ-2 ડેમમાં ત્રણ કલાકમાં ક્ષમતાનું ચાલીસ ટકા નવુ પાણી આવતા ડેમના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.

તાલાલામાં સાત લોકોનું રેસ્ક્યુ, નીચાણવાળા ભાગ એલર્ટ
તાલાલા શહેરમાં મામલતદાર સ્ટાફ દ્વારા નદીના પુરનો ખતરો જણાતા પોલીસ, તરવૈયાને સાથે રાખી સાત લોકોનું દોરડા વડે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. જ્યારે હિરણનદીમાં પુરની સ્થિતી ભયજનક જણાતા નીચાણવાળા નરસિંહ ટેકરી વિસ્તારને ખાલી કરાવવાની તંત્રએ તૈયારી કરી લીધી હતી.

તાલાલા-ઊના, તાલાલા-કોડીનાર રોડ બંધ : ટ્રેન તાલાલા અટકાવાઈ
જંગલમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં ભારે પૂર હોવાથી તાલાલા-ઊના અને તાલાલા-કોડીનાર સ્ટેટ હાઈવે માધુપુર ચોકડીથી સરસ્વતી નદીના પાણી ફરી વળતા બંધ થઈ ગયેલ જ્યારે વેરાવળ- અમરેલી મીટરગેજ ટ્રેનને સાસણ પાસે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા તાલાલા જંકશન ખાતે અટકાવી દેવામાં આવેલ છે.

વહીવટી તંત્રની ચાંપતી નજર
તાલાલા પંથકમાં અતિભારે વરસાદથી વહિવટી તંત્ર સ્તિથી ઉપર ચાંપતી નજર રાખી રહ્યું હતું. તાલાલા મામલતદાર જે.વી.સીંઘવ, નાયબ કલકેકટર ભુમીબેન વાટલીયા, પીએસઆઈ બાંટવા દ્વારા સંકલન બનાવાયેલ ડિઝાસ્ટરના નાયબ મામલતદાર વિક્રમ દેસાઈ, સર્કલ ઓફીસર પી.આર.પ્રજાપતિ, કંન્ટ્રોલરૂમમામ સતત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...