શ્રમકાર્ડ આપવાની કામગીરીનો પ્રારંભ:તાલાલા ગીરના 45 ગામોમાં કામકાજ શરુ; રાતે પણ કાર્ય ચાલુ રહેતા શ્રમીકોમાં રાહત પ્રસરી

ગીર સોમનાથ (વેરાવળ)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના 45 ગામોના શ્રમજીવીઓ માટે આશીર્વાદરૂપ શ્રમ કાર્ડ આપવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવતા ગરીબ અને પછાત શ્રમજીવી પરિવારોએ ખુશીની લહેર પ્રસરી છે. ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખાતલેની સુચનાથી તાલાલા તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઇ પરમારે તાલાલા પંથકના તમામ ગામોના 16 થી 59 વર્ષની વયના શ્રમજીવીઓને તાકિદે શ્રમ કાર્ડ પ્રાપ્ત થાય માટે ખાસ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત શ્રમજીવી લોકો દિવસ દરમિયાન કામે ગયા હોય તેમની આજીવિકાને અસર થાય નહીં માટે તાલુકાની ગ્રામ પંચાયતો રાત્રીના સમયે ખુલ્લી રાખી શ્રમજીવીઓને શ્રમ કાર્ડ આપવાની કામગીરી શરૂ કરી છે. જેનો તાલાલા પંથકના 45 ગામના ગરીબ હજારો શ્રમજીવીઓને અમૂલ્ય લાભ મળી રહ્યો છે.

ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રી તથા વી.સી.ઈ. આયુષ્માન કાર્ડથી વંચિત શ્રમજીવીઓને શ્રમ કાર્ડની સાથે સાથે આયુષ્માન કાર્ડ પણ કાઢી આપતા હોય તાલાલા પંથકના શ્રમજીવીઓને જબરી રાહત સાથે અમૂલ્ય લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે,તાલાલા પંથકમાં ગરીબ શ્રમજીવીઓની કલ્યાણલક્ષી શ્રેષ્ઠ કામગીરી સબબ તમામ ગ્રામ પંચાયતના વહીવટી સ્ટાફની કામગીરી આવકાર પાત્ર બની છે.

સૌથી મોટી આંકોલવાડી ગીર ગ્રામ પંચાયતમાં રાત્રિ કેમ્પ યોજાયો
તાલાલા પંથકમાં શ્રમજીવી કાર્ડ આપવાની શરૂ થયેલ ઝુંબેશ અંતર્ગત તાલુકાની સૌથી મોટી આંકોલવાડી ગીર ગ્રામ પંચાયતમાં રાત્રી કેમ્પ યોજાયો હતો. જેમાં ગામના શ્રમજીવીઓને શ્રમ અને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આકસ્મિક મૃત્યુના સમયે શ્રમ કાર્ડ ધારકને વિમાની બે લાખ રકમ સહિત શ્રમજીવીની સુખાકારી માટે શ્રમ કાર્ડ અતિ ઉપયોગી હોવાનું તલાટી મંત્રી શ્રી એસ.એમ.મકવાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...