• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • At Dari Village In Veraval, A Seven day old Baby Was Abandoned In A Sack Full Of Bushes; Abad Bhacha Was Rescued When A Passerby Heard The Cries

રામ રાખે તેને કોણ ચાખે:વેરાવળના ડારી ગામે સાત દિવસના બાળકને થેલામાં પૂરી ઝાડીઓમાં ત્યજી દેવાયું; રાહદારીએ રડવાનો અવાજ સાંભળતાં આબાદ બચાવ

ગીર સોમનાથ (વેરાવળ)20 દિવસ પહેલા

વેરાવળના ડારી ગામે કુમળા ફૂલ જેવા સાત દિવસના બાળકને સિમેન્ટ અને રેતી ભરવાના પ્લાસ્ટિકના થેલામાં પૂરીને મરવા માટે ફેંકી દેવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નિષ્ઠુર માતા-પિતાએ ત્યજી દીધેલું બાળક જન્મથી જ કમળાની બિમારીના લીધે નબળું પડેલું હોવાથી તેને પ્લાસ્ટીકની થેલીમાં પેક કરીને કોથળામાં વીંટીને મરવા માટે જ ડારી ગામના અવાવરૂ રસ્તાની બાજુમાં ઝાડીઓમાં ફેંકી દેવાયું હતું. જો કે બાળકના રડવાનો અવાજ સાંભળી ત્યાંથી પસાર થતાં રાહદારીએ તેનો બચાવ કર્યો હતો અને બાળકને સારવાર અર્થે ખસેડાયું હતું. જેને લઈને રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ અહિં આગળ સાર્થક થતી નજરે પડી હતી.

યુવકોને થેલીમાં પૂરાયેલું બાળક મળી આવ્યું
વેરાવળના ડારી ગામે રાત્રિના સમયે નિર્જન રસ્તા પરથી પસાર થઈ રહેલા જાવેદભાઈ શામદાર અને તેમના મિત્રોને ઝાડીઓમાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો. જેના પગલે યુવાનોએ ત્યાં જઈને જોતાં એક સિમેન્ટ અને રેતી ભરવાના લીલા કલરના થેલામાં પ્લાસ્ટિકની થેલીની અંદર પુરાયેલું 7 દિવસનું બાળક મળી આવ્યું હતું. જેના શરીર ઉપર ચોંટેલા કાદવ-કીચડ, નાજુક પણ છોલાયેલી ચામડી, લાગેલા ઘા અને તેમાંથી નીકળતું લોહી અને એ બધાથી ઉપર થેલીમાં પેક હોવાને કારણે દબાઈને મુરઝાતા શ્વાસના લીધે મૃત્યુ તરફ ધક્કો મારતી આ તમામ પરિસ્થિતિમાં આ બાળક જાણે મૃત્યુ સામે જંગે ચડ્યું હતું.

માસૂમ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ બાળકને જાણે જગતનો તાત મદદ કરવા માંગતો હોય તેમ જીવન-મરણના જંગમાં ડારી ગામના લોકોનો તેને સાથ મળ્યો હતો. ગામના લોકો દ્વારા સોમનાથ મરીન પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના લીધે પોલીસ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ વાયુવેગે ઘટનાસ્થળે પહોંચી હતી. ડારી ગામનો મેડિકલ સ્ટાફ બાળકની સાથે 108માં વેરાવળ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. જો કે અગાઉથી મળેલા સંદેશના કારણે બાળકોના ડોક્ટર અજય ઝાલા અને તેમનો મેડિકલ સ્ટાફ બાળકની સારવારની તૈયારી કરી ચૂક્યો હતો. બાળકને સૌપ્રથમ સાફ કરીને તેની ઈજાઓને બિનજ્વલનશીલ એન્ટી સેપ્ટિક દવાઓથી સાફ કરવામાં આવ્યો હતો. બાદમાં માસુમ બાળકનું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી ઝડપભેર તેને ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

જીવન-મરણના યુદ્ધમાં હાલમાં બાળકનો વિજય થયો
બાદમાં તપાસ કરતા ડો. અજય ઝાલાને ખ્યાલ આવ્યો હતો કે બાળકને જન્મ સમયથી જ કમળો છે અને તેની ઉંમર સાત કે આઠ દિવસ છે. જેથી બાળકને કમળાની સારવાર માટે જરૂરી ઇન્જેકશન અને દવાઓ આપવામાં આવી હતી. જેના લીધે સવાર સુધીમાં માસુમ બાળકની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. આ રીતે કમળાની સામે જન્મથી જ અને દુર્ભાગ્યવશ મૃત્યુની સામે કલાકોથી જંગે ચડેલા આ સાત દિવસના ફૂલ જેવા માસુમ બાળકનો જીવન-મરણના યુદ્ધમાં હાલમાં તો વિજય થયો છે. હજુ બાળકને તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

સોમનાથ મરીન પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટના અંગે સોમનાથ મરીન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બાળક કોણ આવી હાલતમાં ફેંકી ગયું તે જાણવા માટે ગામના સરપંચને સાથે રાખી અમુક લોકોના નિવેદન નોંધવાની અને ગામના સીસીટીવી ફુટેજ તપાસવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ડારી ગામના આરોગ્ય કેન્દ્રમાં પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું મરીનના પીઆઈ એન.જી.વાઘેલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...