સોમનાથમાં આધ્યાત્મિક શક્તિ અને આસ્થા:ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સોમનાથ મહાદેવના દર્શનાર્થે; એમ.વેંકૈયા નાયડુ તથા પરીવારજનોએ ધન્યતા અનુભવી

ગીર સોમનાથ (વેરાવળ)4 દિવસ પહેલા
  • શ્રાવણ માસમાં ઉપરાષ્ટ્રપતિએ પરિવાર સાથે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

શિવની ભક્તિનો માટે ઉત્તમ ગણાતા એવા શ્રાવણ માસમાં આજરોજ જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા અર્થે આજે ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુ પરીવાર સાથે આવી પહોંચ્યા હતા. ત્યારે મંદિર ખાતે ઉપરાષ્ટ્રપતિનું પંડિતો અને ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી અદકેરું સ્વાગત અભિવાદન કર્યુ હતુ. બાદમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને તેમના પત્નીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળનો જળાભિષેક કર્યો હતો. બાદ મંદિરના પૂજારીગણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવવામાં આવેલ જે કરી ઉપરાષ્ટ્રપતિએ ધન્યતા અનુભવી હતી.

બહેનોએ ઉપરાષ્ટ્રપતિજીનું અભિવાદન કર્યું
ત્યારબાદ સોમનાથ મંદિરમાં ઉપરાષ્ટ્રપતિ નાયડુએએ એસબીઆઈ બેંક દ્વારા દાનમાં આપેલ ત્રણ ઇલેક્ટ્રીક કાર્ટ કારોનું ઉદઘાટન કરી તે જ કોર્ટ કારમાં મહાનુભાવો સાથે બેસીને મંદિરની ફરતે પરિક્રમા કરી હતી. આ સમયે 'હર ઘર તિરંગા અભિયાન' અન્વયે બહેનોએ ભારત માતા કી જય અને જય હિન્દના નારાઓ લગાવી ઉપરાષ્ટ્રપતિજીનું અભિવાદન કર્યું હતું.

શિલ્પની દ્રષ્ટિએ સોમનાથ મંદિરએ ભવ્યતાનું પ્રતિક
સોમનાથ મંદિરની મુલાકાત પુસ્તિકામાં પ્રતિભાવ લખતા ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ જણાવેલ કે, આ મંદિરની મુલાકાત લઇ મને ખૂબ જ આનંદ થયો છે. શિલ્પની દ્રષ્ટિએ સોમનાથ મંદિરએ ભવ્યતાનું પ્રતિક છે. આ મંદિર સાથે આધ્યાત્મિક શક્તિ અને આસ્થા પણ જોડાયેલા છે. ખાસ કરીને યુવાનોને મારો અનુરોધ છે કે, તેઓ આ મંદિરની ભવ્યતાને નિહાળે. અંતમાં ઉપરાષ્ટ્રપતિએ પરિવારજનો સાથે સોમનાથના દિગ્વિજય દ્વાર સામે રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદન કર્યા હતા. આ લોખંડી પુરુષને ગરિમાપૂર્વક વંદન કરી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ફૂલ અર્પણ પણ કર્યા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરના ઈતિહાસ વિશે તેલુગુ સહિત 12 ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમાંથી ઉપરાષ્ટ્રપતિને તેલુગુ ભાષામાં પ્રકાશિત પુસ્તક પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભેટ આપવામાં આવ્યું હતું.

આ મુલાકાત વેળાએ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, પૂર્વમંત્રી જશાભાઈ બારડ, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, રાજશીભાઈ જોટવા, પાલિકા પ્રમુખ પિયૂષ ફોફંડી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...