ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકના ડોળાસા પાસેના અડવી ગામની સીમ વિસ્તારમાં એક અઠવાડિયાથી ખુંખાર દીપડો આંટાફેરા કરી રહ્યો હોવાથી ખેડુતોમાં ભય પ્રસર્યો હતો. જો કે ચાર દિવસથી કેદ કરવા વન વિભાગનો સ્ટાફ દિવસ રાત મથામણ કરી રહ્યો હતો. દરમિયાન આજે સવારે ખુંખાર દીપડો પાંજરે પુરાતા ખેડુતો, ગ્રામજનો સાથે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
છેલ્લા થોડા દિવસોથી કોડીનાર સહિત આસપાસના પંથકમાં સિંહ, દીપડાના આંટાફેરા વધ્યા છે. ત્યારે પંથકમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. જે અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોડીનાર પંથકના ડોળાસાની બાજુમાં આવેલા અડવી ગામમાં 66 કે.વી. સબ સ્ટેશનની પાછળના ભાગે આવેલી સીમ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી એક કદાવર ખુંખાર દીપડો આંટાફેરા કરી રહ્યો હતો. જેમાં કેટલીક વાર તો તે સમી સાંજે પણ દેખા દેવાની સાથે ખેડુતોના માલઢોરોનું પણ મારણ કરવા લાગ્યો હતો. જેના કારણે ખેડૂતો અને વાડીએ વસવાટ કરતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી.
આ અંગે ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરતાં જામવાળા વન કચેરીના ગોપાલસિંહ રાઠોડ, અંકિત રાજપુત, અલી ટ્રેકર અને જીતુ મોરીએ સ્થળની મુલાકાત લઈ અડવી ગામના સીમ વિસ્તારમાં ચાર દિવસથી જુદા જુદા સ્થળોએ મારણ સાથેના પાંજરા મુકી કેદ કરવા કામગીરી કરી રહ્યા હતા. પરંતુ ચાર દિવસથી દીપડો હાથ તાળી આપી પાંજરામાં આવતો ન હોવાથી આખરે ખેડૂત અશ્વિન ડોડીયાની વાડીના શેઢા ઉપર પાંજરૂ રાખવામાં આવેલું હતુ. જેમાં મારણની લાલચે આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ખુંખાર દીપડો આવી જતા કેદ થઈ ગયો હતો. જેના પગલે ખેડૂતો અને ગ્રામજનોએ રાહતની લાગણી અનુભવી હતી. જ્યારે વનવિભાગે કેદ થયેલા દીપડાને મધ્યગીર સાસણ ખાતે લઇ જવા કવાયત હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.