પેનડાઉન કરવાની ચીમકી ઉચ્ચારી:વેરાવળમાં સંયુક્ત મોરચાના નેજા હેઠળ તમામ કર્મચારી સંગઠનોએ વિશાળ બાઈક રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું

ગીર સોમનાથ (વેરાવળ)25 દિવસ પહેલા

જૂની પેન્શન યોજનાને પુનઃ સ્થાપન કરી અમલમાં લાવવાની માંગ સાથે આજે સંયુક્ત મોરચાના નેજા હેઠળ જુદા જુદા સંગઠનોના ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દ્વારા ઐતિહાસિક મહા બાઈક રેલી કાઢી જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જિલ્લામાં ફરજ બજાવતા આઠથી દસ હજાર વર્ગ ત્રણના કર્મચારીઓએ માંગ નહીં સ્વીકારાય તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર મારફત રાજય સરકારને સંદેશ આપ્યો છે.

કલેકટર મારફતે રાજ્ય સરકારને આવેદન
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સરકારી કર્મીઓ દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાને લઈ શરૂ કરેલ પ્રથમ તબક્કાના આંદોલનમાં તાલુકા કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી રજુઆતો કરી હતી. તેમ છતાં કોઈ નિર્ણય ન થતા કર્મચારી સંગઠનોના બનેલ સંયુક્ત મોરચા દ્વારા બીજા તબક્કાના આંદોલનનો શંખનાદ કરવામાં આવ્યો છે. જેમાં આજે બપોરે ગીર સોમનાથના જિલ્લા મથક વેરાવળના ટાવર ચોકમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ એકત્ર થયા હતા. બાદ વિશાળ બાઈક રેલી સ્વરૂપે જુદા જુદા માર્ગો ઉપર ફર્યા હતા. આ રેલીમાં 900 જેટલી બાઈક તથા 400 જેટલી ફોરવ્હીલ કારો મળી આશરે 3500 જેટલા કર્મચારીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે બેનરો હાથમાં લઈ સુત્રોચ્ચાર કરી મહારેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા કલેકટર મારફતે રાજ્ય સરકારને સંબોધેલ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી
ચૂંટણીઓ માથા પર છે ત્યારે સરકારની સમસ્યાઓમાં વધારો થયો છે. ત્યારે આજે વેરાવળમાં સરકારી કર્મચારીઓએ આપેલ કાર્યક્રમ અને આવેદન અંગે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક દેવાયત એસ. ભોળાએ જણાવેલ કે, જુની પેન્શન યોજનાની માંગણી નહીં સ્વીકારાય તો ગીર સોમનાથ જિલ્લાના જ આઠ થી દસ હજાર સરકારી વર્ગ ત્રણના કર્મચારીઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. કર્મચારીઓનો આરોપ છે કે જો અમારા મતથી મંત્રીઓ અને ધારાસભ્યોને પેન્શન મળી રહ્યું છે અને અમને જ પેન્શન ન મળે તો અમારો મત દેવાનો શું અર્થ ? કર્મચારીઓએ પોતાને જૂની પેન્શન યોજના ફરી ન મળે ત્યાં સુધી મતદાન ન કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. જો માત્ર ગીર સોમનાથ જિલ્લાની જ વાત કરીએ તો આઠથી દસ હજાર સરકારી કર્મચારીઓ મતદાનનો બહિષ્કાર કરવાના છે. જ્યારે રાજ્યની અંદર આ સંખ્યા લાખોમાં છે ત્યારે સરકાર કર્મચારીઓને કર્મચારી નહીં પરંતુ મતદાતા તરીકે જુએ અને તેમનામાં સરકારને રસ પડે અને તેઓની સમસ્યાનું નિરાકરણ આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

આગામી દિવસોમાં માસ સી.એલ. ઉપર જવાની ચીમકી
રેલીમાં 900 જેટલી બાઈકો, 400 ફોરવહીલ કારોમાં 3,500 કર્મચારીઓએ બેનરો હાથમાં લઈ સુત્રોચ્ચાર પોકારતી માંગણી બુલંદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પડોશી રાજ્યો રાજસ્થાન તથા ઝારખંડની સરકારોએ તેમના રાજ્યમાં જુની પેન્શન યોજનાની જાહેરાત હાલમાં જ કરી છે, ત્યારે ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજના મેળવવા માટે આંદોલનનું રણશીંગું ફુકી વેગવંતુ બનાવ્યુ છે. જે આગામી દિવસોમાં કેવું રહેશે તે જોવું રહ્યુ. તો બીજી તરફ આંદોલનકર્તા કર્મચારીઓએ સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં પેનડાઉન અને માસ સી.એલ. ઉપર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...