ચાઈનીઝ દોરી સાથે ઝડપાયા:વેરાવળમાં ચોપાટી પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા બે યુવકો ઝડપાયા;  જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી

ગીર સોમનાથ (વેરાવળ)22 દિવસ પહેલા

આજે ઉતરાયણના તહેવારના દિવસે વેરાવળ શહેરમાં દરિયાકિનારે ચોપાટી ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો પતંગ ચગાવવા એકત્ર થાય છે. ત્યારે ચોપાટી ખાતે બે યુવકો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકી વડે પતંગ ચગાવતા જોવા મળેલ હતા. જેને લઈ પોલીસે બંન્ને યુવકોને બે ચાઈનીઝ ફિરકી સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ગઈકાલથી જ વેરાવળ શહેરમાં પતંગ વેંચતા દુકાનદારો અને સ્ટોલો ઉપર પણ પોલીસ સ્ટાફ સતત ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો.

ચાઈનીઝ દોરી પર સંપૂર્ણપણે પ્રતિબંધ
ઉતરાયણ પર્વને લઈ ગુજરાત સરકારે ચાઇનીઝ દોરાના વેપાર, આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ, વપરાશ અને ઉપયોગ કરવા તથા ઉડાડવા ઉપર પ્રતિબંધ અંગે જાહેરનામા બહાર પાડ્યો છે. જેની અમલવારી અંગે રાજય સરકારની સૂચના મુજબ પોલીસ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. દરમિયાન આજે ઉતરાયણના દિવસે વેરાવળ શહેરમાં દરિયાકિનારે આવેલ ચોપાટી ખાતે પતંગો ચગાવવા મોટી સંખ્યામાં શહેરીજનો એકત્ર થાય છે.

બે ફિરકી સાથે બેની ધરપકડ
જેને લઈ ચોપાટી ખાતે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવે છે. ત્યારે ચોપાટી ખાતે ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી વડે પતંગ ચગાવતા પ્રિન્સ વિજયભાઇ મકવાણા અને અલ્ફાઝ બાબુભાઇ શેખને 2 નંગ ચાઈનીઝ ફિરકી સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આજે વેરાવળ શહેરમાં પતંગ વેચતા દુકાનદારો અને સ્ટોલો ઉપર પણ પોલીસ સ્ટાફ સતત ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...