રાજ્યમાં ઉત્તરાયણ પર્વમાં જીવલેણ ચાઈનીઝ દોરી વેચવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ગીર સોમનાથ જિલ્લાના ઘણા શહેર વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ વેપારી સહિતનાઓ છુપી રીતે ચાઈનીઝ દોરી વેચતા હોવાની ફરીયાદો ઉઠી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડાના આદેશથી એલસીબી અને એસઓજીની ટીમે વેરાવળ અને ગીરગઢડામાં બે સ્થળોએ દરોડા પાડીને બે વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેંચતા ઝડપી લીધા છે. બંને પાસેથી ચાઈનીઝ દોરીની 8 ફિરકી જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ઉત્તરાયણ પર્વ ઉત્સાહભેર ઉજવાય છે. ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં આ પર્વે પતંગ ચગાવવા માટે લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા હોય જે દોરી લોકો માટી જીવલેણ સાબિત થઈ રહી છે. જેથી રાજય સરકારે ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં આ દોરી છાને ખુણે વેચાઈ રહી હોવાથી તેને પકડી પાડવા સરકારના આદેશથી પોલીસ તંત્રએ કમર કસી તપાસ કરી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરાયું છે. જેને લઈ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આદેશથી પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી છે.
જેમાં એલસીબીના નટુભા બસીયા તથા એસઓજીના કમલેશ પીઠીયાને મળેલ બાતમીના આધારે એલસીબી પીઆઈ એ.એસ. ચાવડા અને એસઓજી પીઆઈ એ.બી.જાડેજાએ વેરાવળના ગાંધીચોક વિસ્તારમાં આવેલ બદુશા સિઝનેશબલ સ્ટોર નામની દુકાને તપાસ હાથ ધરી હતી. જ્યાં પ્રતિબંધિત ચાઇનિઝ દોરી ફીરકી નંગ-1 મળી આવતા દુકાનદાર આમદશા બદુશા શામદાર સામે તથા જિલ્લાના ગીરગઢડા શહેરની રબારી શેરીમાં અમીધારા પ્રોવિઝન સ્ટોર દુકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનિઝ દોરી ફીરકી નંગ - 7 મળી આવતા દુકાનદાર રાઘવ અરજણભાઇ વાઘેલા બંને વેપારીઓ સામે આઈપીસી કલમ 188 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આવી કાર્યવાહી ઉત્તરાયણના દિવસ સુધી અવિરત ચાલુ રહેનાર હોવાની માહિતી પોલીસ સુત્રોમાંથી મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.