વેરાવળ સોમનાથ બાયપાસ રોડ ઉપર ભોપાલના પ્રવાસીઓને લઈને સોમનાથ દર્શનાર્થે આવી રહેલી કારને સામેથી આવતા ટ્રકે અડફેટે લેતા ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે કારને અડફેટે લીધા બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા બેકાબુ બનેલા ટ્રકે રોડની સાઈડમાં પડેલી રીક્ષા, બાઈક અને આઈસર ટ્રક જેવા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ વિચિત્ર અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ વિચિત્ર અકસ્માતના સીસીટીવીમાં ટ્રક એક પછી એક એક વાહનોને અડફેટે લેતો જોવા મળ્યો છે.
ટ્રકે એક પછી એક ચાર વાહનો ઉડાવ્યા
આ વિચિત્ર અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, ભોપાલના પ્રવાસીઓ કારમાં સાસણ ફરીને સોમનાથ દર્શનાર્થે બપોરના સમયે આવી રહ્યા હતા. ત્યારે સોમનાથ બાયપાસ રોડ ઉપર હોટલ માધવ નજીક સામેથી આવી રહેલી ટ્રકના ચાલકે કારને અડફેટે લીધી હતી. જેના લીધે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક બેકાબુ બની ગયો હતો અને એ સમયે ત્યાં રોડની સાઈડમાં ઉભેલી રીક્ષા, બાઈક અને આઈસર ટ્રકને પણ અડફેટે લીધા હતા. સદનસીબે આ ત્રણેય વાહનોમાં કોઈ ન હોવાથી જાનહાની થઈ ન હતી.
કારમાં સવાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ
ટ્રકે પ્રથમ અડફેટે લીધેલી કારમાં સવાર ભોપાલના સુરેશચંદ્ર ગુપ્તા (ઉ.વ.58), વિનોદ ગુપ્તા (ઉ.વ.61), વિભા ગુપ્તા (ઉ.વ.58), બબલી ગુપ્તા (ઉ.વ.49) તથા કાર ચાલક ધર્મેશ જોશીને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ પૈકી ચાર વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવેલી, જયારે એક વ્યક્તિને ફેક્ચરની ઇજા હોવાથી રીફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માત અંગે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માત્ર 15 સેકન્ડમાં જ વારાફરતી ચાર વાહનો અડફેટે
આ વિચિત્ર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સોમનાથથી વેરાવળ તરફ આવી રહેલા ટ્રકે રોંગ સાઈડમાં જઈ રહેલી કારને પ્રથમ ટકકર મારી અડફેટે લીધી હતી. ત્યારબાદ ચાલકે કાબુ ગુમાવતા બેકાબુ ટ્રકે રોડની સાઈડમાં પાર્ક રીક્ષા, બાઈક અને આઈસર ટ્રકને એક પછી એક અડફેટે લીધા. તે બાદ યુટર્ન વળીને રોડની મધ્યમાં ડિવાઈડર ઉપર ટ્રક ચડી ગયો હતો. આ અકસ્માતના સીસીટીવીમાં જોવા મળતા મુજબ બેકાબુ બનેલા ટ્રકે માત્ર 15 સેકન્ડમાં જ વારાફરતી ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેના પગલે અકસ્માતના સ્થળ આસપાસ ઘડીભર નાસભાગ મચી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.