સૌરાષ્ટ્રમાં મોદીની ચાર મહાસભા:બોટાદમાં વડાપ્રધાને કહ્યું- 'વાર-તહેવારે ગુજરાતીઓને ગાળો દેનારાઓની આખી જમાતને અહીંથી વિદાય કરવાની જરુરિયાત છે'

વેરાવળ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. ત્યારે પીએમ મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. વડાપ્રધાને હેલિકોપ્ટરથી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરીને સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. જ્યાંથી વડાપ્રધાને રાજકોટના ધોરાજીમાં અને અમરેલીમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. જે બાદ નરેન્દ્ર મોદીએ બોટાદમાં જનસભાને સંબોધીત કરી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, વાર-તહેવારે ગુજરાતીઓને ગાળો દેનારાઓની આખી જમાતને અહીંથી વિદાય કરવાની જરુરિયાત છે.

બોટાદ સાથે તો જનસંઘના સમયથી સંબંધઃ મોદી
બોટાદમાં સભા સંબોધતા મોદીએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં હું જ્યા જ્યા ગયો છું તે જોઈને લાગે છે આ વખતે વિપક્ષના ડબ્બા ગુલ બધી જગ્યાએ એક જ અવાજ સંભળાય છે કે ફીર એક બાર મોદી સરકાર. ગુજરાત અને ભાજપનો સંબંધ બોવ અતુટ છે. તેમા પણ બોટાદ સાથે તો જનસંઘના સમયથી સંબંધ છે. જનસંઘને કોઈ ઓળખતું નતું જે સમયમાં તે વખતે બોટાદની જનતાએ પારખી લીધા હતા અને પોખી લીધા હતા. બોટાદમાં પહેલી નગરપાલિકા જનસંઘની બની હતી. પંડિત દિનદયાલ ખુદ અહિં આવીને જનતાનો આભાર માન્યો હતો. આજે હું તમારા આશીર્વાદ લેવા તો આવ્યો જ છું પણ સાથે સાથે તમારો આભાર માનવા પણ આવ્યો છું.

પહેલા ચૂંટણીમાં ગોટાળાનો મુદ્દો રહેતો હવે વિકાસનોઃ મોદી
વધુમાં જણાવ્યું કે, પહેલા ચૂંટણી થતી હતી તેમનું કુંટુંબ કેવડું મોટું છે તે આધારે મત માગવામાં આવતા હતા. પછી જાતીના આધારે મત માગવામાં આવ્યાં, પછી જમાનો આવ્યો કે, તે માથાભારે છે સાચવજો અને મત આપી દોને તેમ કહીને મત આપતા હતા. આવા વાતાવરણમાં ચૂંટણી ચાલતી હતી. પછીની ચૂંટણીમાં તમે આટલા ગોટાળા કર્યા છે, તમે આટલું લૂંટી લીધું હતું, પહેલા ચૂંટણીના મુદ્દા આવા અનેક ગોટાળાથી ભરેલા હતા. ભાજપનો જ્યારથી ગુજરાતમાં વિજય થયો છે ત્યારથી ગોટાળાનો નહીં પણ ચૂંટણીનો મુદ્દો વિકાસનો મુદ્દો હોય છે.

ગુજરાતમાં હવે વિમાન બનવાના છેઃ વડાપ્રધાન

આજે ઉદ્યોગ એટલે વાપી વલસાડની ચર્ચા થાય છે, બોટાદના યુવાનો સૌરાષ્ટ્રના યુવાનો એ દિવસ દૂર નથી જ્યારે વૈભીપુર, ધંધૂકા, ભાવનગર, ધોલેરા બોટાદ આ સમગ્ર વિસ્તાર ગુજરાતમાં ઔધોગીક ક્ષેત્રે સૌથી વધુ ધમધમતો વિસ્તાર હશે. ગુજરાતમાં હવે વિમાન બનવાના છે. પહેલાની સરકાર પાસે લોકો હેંડપંપ માગતા હતા અમારી સરકારે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. અમે વિકાસના બીજનું વાવેતર કર્યું છે. 20 વર્ષ પહેલા પ્રાથમિક જરૂરીયાતોના ફાફા પડતા હતા. આજે ગુજરાતના શિક્ષણમાં પણ 5જીનો યુગ શરૂ થવાનો છે. 20 હજાર સ્કૂલ 5જીના દોરમાં પ્રવેશ કરે તે દિશામાં કામ ચાલી રહ્યું છે.

દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેજો એવું પહેલા કહેવાતું હતુંઃ મોદી​​​​​​​

​​​​​​​બોટાદ શહેર આસપાસ ગામડાઓમાં પાણીની ખુબ મોટી સમસ્યા હતી. પહેલા એમ કહેવાતું કે, દીકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેજો. બહેનોને પાણી માટે કેટલીય મુશ્કેલી પડતી હતી. આવા સમય બાદ ભાજપ સરકાર સૌની યોજના લઈને આવી, સરદાર સરોવર કેનાલ આવી સહિતની યોજનાઓ લાવ્યા જેથી ઘરે ઘેર પાણી પહોંચ્યું છે. આ ચૂંટણી 5 વર્ષ માટે નથી, આ ચૂંટણી 25 વર્ષ કેવા હશે તે માટેની છે.

​​​​​ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધર્યુંઃ મોદી

જ્યોતીગ્રામ યોજનાના કારણે ગામડે ગામડે ગૃહઉદ્યોગનો વિકાસ થયો છે. જેના કારણે બહાર કામ કરવા ગયેલા કારીગરો ફરી પાછા પોતાના વતનમાં આવી ગયા છે. સ્વાસ્થય ઉત્તમ ન હોય તો બધુ નકામું, આપણે ગુજરાતને પણ સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. હોસ્પિટલોમાં ડીલીવરીની સુવિધા નહોતી, કુપોસણના કારણે બાળકો મરી જતા હતા. દસકાઓ સુધી જે સરકાર રહી તેણે લોકોને પોતાના હાલ પર છોડી દીધા હતા. હોસ્પિટલો બની હોય પણ ડોક્ટર નહોય, ભાજપ સરકારે મોટો બદલવા લાવ્યો હતો. પેટ્રોલના અભાવે એમ્બ્યુલ્સ નહોતી ચાલતી, તેવા સમાચાર છાપામાં આવતા હતા.
ભારતીય જનતા પાર્ટી તે વિકાસની ગેરંટી છેઃ વડાપ્રધાન​​​​​​​
​​​​​​​
ભાજપે દીકરીઓ અને બાળકો માટે અભિયાન ચલાવ્યું છે. 20 વર્ષ પહેલા 11 મેડિકલ કોલેજ હતી અત્યારે 36 મેડિકલ કોલેજ છે. 20 વર્ષ પહેલાં સરકારી હોસ્પિટલોમાં 15 હજાર નર્સ હતી આજે 60 હજાર છે. 20 વર્ષ પહેલાં 25 હજાર આંગણવાડીઓ હતી આજે 50 હજાર છે. 20 વર્ષ પહેલાં ત્રણ હજાર મેડિકલની સીટો હતી આજે 6 હજાર 300 જેટલી સીટો છે. ભાજપ સરકારે ગુજરાતમાં એઇમ્સ જેવી હોલ્પિટલ બને તે માટે પ્રયત્નો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી તે વિકાસની ગેરંટી છે, અમે વિકાસના રસ્તે આગળ વધવા માગીએ છીએ. આ બધા લોકો જે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું જે અભિયાન ઉપાડ્યું છે તે નકારાત્મકતાથી કોઈનું ભલુ નથી થવાનું. ગુજરાતને બદનામ કરવાવાળા, વારતહેવારે ગુજરાતને ગાળો દેવાવાળા તે આખી જમાતને અહિંથી વિદાય કરવાની છે. જેથી ગુજરાત આપડું વિકાસની નવી ઉંચાઈ પ્રાપ્ત કરે. તે માટે મારે તમારો સાથ અને સહયોગની જરૂર છે.

વિકાસ બોલો એટલે ગુજરાત અને ગુજરાત બોલો એટલે વિકાસ: PM મોદી
અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વડાપ્રધાને જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમરેલીની ધરા સંતો અને સુરાઓની છે, અહીંની કલમ અને તલવાર બંનેમાં ધાર છે. વિકાસની વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય. અમરેલીમાં એટલો બધો વિકાસ થયો છે કે કૃષિ વિભાગ જાણે અમરેલી માટે રિઝર્વ થઇ ગયો હોય.અમરેલીએ ઉધોગમાં નવી છબી બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ઉભુ કર્યું છે. છેલ્લા 20 વર્ષમાં અમરેલીમાં ઘણા બદલાવ આવ્યા છે. ભૂતકાળમાં પાણી માટે અમરેલી વલખા મારતુ હતું, પણ હવેની સ્થિતિ કંઇક અલગ છે. પાણીની પૂજા કરો તો પરમાત્મા પણ પાણી વરસાવે છે એમ આપણા બધાની મહેનત જોઇ વરુણ દેવતા પણ અમરેલી પર રાજી થઇ ગયા છે. હવે પાઇપથી ઘરે ઘરે પાણી પહોંચતુ થયું છે.

પશુપાલકો અને પશુઓની પીડા દુર કરી: PM મોદી
વીજળીની વાત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઓ જણાવ્યું કે, એક જમાનામાં વીજળીના ઠેકાણા નહોતા, પાક આખો બળી જાય તોય લાઇટ નહોતી આવતી. હવે તમે પણ જોવો છો 24 કલાક વીજળી હોય છે. ખેડૂત ત્રણ-ત્રણ પાક લઇ રહ્યા છે. જૂન મહિનામાં 35 ડિગ્રી તાપમાન હોય અને ગામડે ગામડે કૃષિ રથ હોય છે. કાળઝાળ ગરમીમાં ખેડૂતો સુધી ખેતી લક્ષી માહિતી પહોંચાડવામાં આવે છે. કિશાન ક્રેડિર્ટ કાર્ડથી ખેડૂતોને રાહત મળી છે. લાખો ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જે અભિનંદનને પાત્ર છે. અમરેલીની ડેરીઓએ તો કમાલ કરી દીધી છે. પશુઓની બીમારી દુર કરવા ટીકા કરણ કર્યુ, પશુપાલકો અને પશુઓની પીડા દુર કરી છે.

જાફરાબાદની બાજરી દુનિયામાં ડંકો વગાડશે: PM મોદી
વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, મત્સય ઉધોગ માટે કોઇ મંત્રાલય નહોતું અમે બનાવ્યું અને રૂપાલાજીએ એની કમાન સંભાળી. ઘણીવાર લોકોને લાગે કે સરકાર શું કરે છે, તો એમને જણાવું કે, યુરિયાની એક થેલી ખેડૂતને 270 રૂપિયામાં પડે છે જે સરકારને 2000માં પડે છે. યુરિયામાં અઢી લાખ રુપિયાની સબસીડી મળે છે. હવે નેનો યુરિયાથી ખેડૂતોને બમણો લાભ થશે. જાફરાબાદના રોટલાની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દુનિયાની વાત આવે એટલે જાફરાબાદના બાજરાની યાદ આવે જ. તમે જોજો જાફરાબાદની બાજરી આવતા વર્ષે દુનિયામાં ડંકો વગાડશે. મૃદ્રા યોજનામાં કોઇપણ ગેરંટી વગર લોન મળે છે જેના લીધો બહેનો આત્મનિર્ભર બની છે.

વડિલોના આશિવાર્દ મને શક્તિ આપે છે: PM મોદી
કોંગ્રેસ પર આક્ષેપ કરતા વડાપ્રધાને જણાવ્યું કે, તમે કોંગ્રેસ પાસે કોઇ અપેક્ષા નો રાખતા, એને વિકાસની પરિભાષા જ ખબર નથી. કોંગ્રેસનો એકપણ વ્યક્તિ તમારૂ ભલુ નહીં કરી શકે, કોંગ્રેસને મત આપીને તમારો કિંમતી મત ના બગાડતા. છેલ્લે વડાપ્રધાને કહ્યું કે, તમારે મારૂ એક અંગત કામ કરવાનું છે, ઘરે જઇને વડિલોને નમસ્તે કેવાનું છે, તેમના આશિવાર્દ મને શક્તિ આપે છે.

મારા માટે ધોરાજી આવવું એ રોજનું કામ કહેવાય: PM મોદી
ધોરાજીમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બપોરનો સમય હોય, અમારા રાજકોટનો સ્વભાવ છે બપોર એટલે. તેમ છતાં મોટી સંખ્યામાં આવ્યા છો. આજે પ્રત્યેક ગુજરાતી સિંહગર્જના કરી રહ્યો છે કે ફીર એક બાર મોદી સરકાર.... સરવેનો પણ આંકડો કહે છે ફીર એક બાર....મોદી સરકાર. ભાજપની સરકાર ભારે બહુમતિથી બનવાની છે. આનું મૂળ કારણ આ પ્રેમ અને આશીર્વાદ છે. ગત દસકામાં અનેકવાર મને તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. મારા માટે ધોરાજી આવવું એ રોજનું કામ કહેવાય. સાથેસાથે મત માગવા અને હિસાબ આપવા આવ્યો છું. કચ્છ-કાઠિયાવાડના લોકો મારા ટીચર છે, મને ટ્રેનિંગ આપી છે, 2017માં ધોરાજી ચૂકી ગયા'તા, શું ફાયદો થયો?, શું મળ્યું?

સોમનાથમાં મોદીએ રૂપાણી સાથે ગૂફતેગુ કરી.
સોમનાથમાં મોદીએ રૂપાણી સાથે ગૂફતેગુ કરી.

ટપક પદ્ધતિથી પાણી બચ્યું: PM મોદી
વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, ગુજરાતનો એટલો વિકાસ થયો છે કે, કોઈ એક ટોપિક પર વાત કરવી હોય તો સપ્તાહ બેસાડવી પડે છે. પાણી માટે રાજકોટમાં એક સમયે ટ્રેન આવતી હતી, રાજકોટમાં પાણી માટે પોલીસ મૂકવી પડતી હતી. ચેકડેમનું અભિયાન ચલાવ્યું, જેમાં સૌરાષ્ટ્રના લોકોએ પહેલ કરી તે હું બીજા રાજ્યના લોકોને કહું છું. ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તેવું અભિયાન ચલાવ્યું જેનાથી પાણીના તળ ઉપર આવ્યા, ટીપેટીપુ પાણી બચાવવાનું કામ કર્યું. ખેડૂતોને મેં કહ્યું આપણી આવનારી પેઢી સુધી પાણી બચાવવું હોય તો ટપક પદ્ધતિ અપનાવવી જોઇશે. પાણીના ધોધ વહેતા હતા તે બચ્યું અને પાકની ક્વોલિટી બની.

રાજકોટમાં પણ મોદી અને રૂપાણી વચ્ચે વાતચીત થઈ હતી.
રાજકોટમાં પણ મોદી અને રૂપાણી વચ્ચે વાતચીત થઈ હતી.

PM મોદીએ મેઘા પાટકરનું નામ લીધા વિના કટાક્ષ કર્યો
વડાપ્રધાને જણાવ્યું કે, શેરડીના પાકમાં આપણે લબોલબ પાણી ભરતા હતા, આ બધુ જનભાગીદારીના કારણે થયું ગામે ગામે પાણી મેનેજમેન્ટ માટે આપણે બહેનોનું મહત્વ સમજ્યું. ધંધુકા અને રાણપુર જાવ તો લોકો કહેતા કે સાહેબ આવો તો ભલે આવો રાત ન રોકાતા, પાણી નથી કોંગ્રેસવાળાને પૂછજો તમે શું આપ્યું, નર્મદાના પાણી માટે કોર્ટ, કચેરીમાં ઢસડી ગયા. મેઘા પાટકરનું નામ લીધા વિના કટાક્ષ કર્યો કે, કોંગ્રેસના લોકો તેના ખભા પર હાથ મૂકે છે. આવા લોકોને પૂછજો ક્યાં મોઢે મત માગો છો. રાજકોટમાં મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સૌની યોજના માટે તો મારી મજાક ઉડાવી હતી કે ચૂંટણીને લઈ મોદી લોલીપોપ લઈ આવ્યા છે. અમે સમસ્યાના કાયમી સમાધાન માટે કામ કરનારા લોકો છીએ. જામનગરમાં પાણીની ટાંકી બની તો મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું. આપણે જિલ્લે જિલ્લે 75-75 તળાવ બનાવવાનું કામ કર્યું છે. પાણી અને વીજળી હોય તો જ વિકાસ થાય, કોંગ્રેસને હેડપમ્પ લગાવવામાં રસ હતો. એક જમાનામાં સાયકલ નહોતી બનતી પણ હવે વિમાન બનવા જઈ રહ્યા છે. આપણે નક્કી કર્યું છે કે, અન્નદાતા ઊર્જાદાતા બને, ખેતરના શેઢે સોલાર પેનલ બેસાડે. આપણા દેશમાં વેન્ટિલેટર નહોતા બનતા, કોરોનાના કાળમાં આપણે બનાવ્યા છે.

પોલિંગ બુથના જૂના બધા રેકોર્ડ તોડવા છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી છે અને એ પણ સોમનાથ દાદની પવિત્ર ભૂમી પર છે. દાદાના આશિવાર્દ હોય એટલે જીત પાક્કી જ હોય. હું દોડાદોડ કરૂ છું એ મારૂ કર્તવ્ય છે. આ વખતનો આપડો લક્ષ્યાંક જૂદો છે, આ વખતે નવા નવા રેકોર્ડો તોડવા છે. પહેલો રેકોર્ડ પોલિંગ બુથનો છે. જેમાં આપડે વધુ પ્રમાણમાં મતદાન કરીને જૂના બધા રેકોર્ડ તોડવા છે. તમે સ્પોર્ટ કરો તો મારૂ આવેલુ લેખે લાગે. આ વખતે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે અને નરેન્દ્ર એને સપોર્ટ કરે એવું કામ તમારે કરવાનું છે. પહેલાં બધા કહેતા હતા કે, ગુજરાતના વેપારીઓ શું કરી શકે, માલ લઇને વેચે અને વચ્ચે દલાલી કરે, પણ આ બધી ધારણાઓ ગુજરાતીઓએ ખોટી પાડી છે.

કચ્છના રણને ગુજરાતનું તોરણ બનાવ્યું: PM મોદી
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, આપણે દરિયાને મુસીબત માનતા હતા, પણ આજે દરિયાકાંઠો ધમધમી રહ્યો છે. ગુજરાતના બંદરોના કારણે આ દરિયાકાંઠો હિન્દુસ્તાનની સમૃદ્ધિનો કાંઠો બની ગયો છે. પહેલાં ગુજરાતમાં કોઇ પ્રવાસન સ્થળ નહોતુ, સોમનાથ દાદા હતા પણ, પણ અહિંયા વિકાસ નહોતો, હવે તમે જ જોઇ લો. આપણે એક પછી એક એમ અનેક યોજાનાઓ વિકસાવી અને ગુજરાતનો વિકાસ કર્યો છે. કચ્છનું રણ આપણને મુસીબત લાગતું હતું, આ કચ્છના રણને આપણે બદલી નાંખ્યું અને રણને તો 'ગુજરાતનું તોરણ' બનાવી દીધું છે જેને જોવા લાખો લોકો આવે છે. ગુજરાતમાં પાણીનો પ્રશ્ન હલ થયો છે, છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચ્યુ છે. નળથી જળ યોજનામાં ઘરે ઘરે પાણી પહોંચતા મારી માતાઓના માથા પરથી પાણીના બેડાં ઉતરી ગયા છે.

ઘરે જઇને વડિલોને કહેજો કે નરેન્દ્રભાઇ યાદ કરતા હતા: PM મોદી
આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું કે, ભાજપની સરકારે જીવન જરૂરિયાતની વસ્તુઓ પર ધ્યાન આપ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં દેશના 80 કરોડ લોકોને અનાજ પહોચાડ્યું છે. દરેક જિલ્લામાં ડેરીઓ બનાવી છે, બંધ થયેલી ડેરીઓ ચાલુ કરીને પશુપાલકોને રોજગારી આપી છે. હવે આપણે ઊંચા કુદકા મારીને આગળ વધવુ છે, પાપા પગલી ભવાનો હવે સમય નથી રહ્યો. આટલુ કહીને વડાપ્રધાને છેલ્લે કહ્યું હતું કે, તમે ઘરે જઇને તમારા વડિલોને કહેજો કે તમને નરેન્દ્રભાઇ યાદ કરતા હતા. મહત્વનું છે કે, મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા સભા મંડપ નાનો પડ્યો હતો. જેના કારણે ઘણા લોકોને બહાર ઉભા રહેવું પડ્યું હતું. જેને લઇને વડાપ્રધાન મોદીએ માંફી પણ માંગી હતી.​​

મોદીને રૂપાણી પર હજી ભરોસો અકબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને ચૂંટણીલક્ષી ચાર સભા સંબોધી રહ્યા છે. સવારે સોમનાથ પહોંચી મહાદેવના આશીર્વાદ લઈ સભા સંબોધી હતી. અહીં મોદી અને વિજય રૂપાણી સ્ટેજ પર ખૂલીને વાત કરતાં જોવા મળ્યા હતા. જો કે આ કંઈ નવું નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી વચ્ચે આ વાર્તાલાપ થયો હોય. આની પહેલા પણ વડાપ્રધાન મોદીએ જામકંડોરણા અને રાજકોટમાં વિજય રૂપાણીને પોતાની નજીક બોલાવી વાતચીત કરી હતી. આજે મોદીએ અને રૂપાણીએ લાંબો સમય સુધી ગૂફતેગુ કરતા રાજકીય ક્ષેત્રે ચર્ચા ઉઠી છે કે, શું મોદીને રૂપાણી પર હજી ભરોસો અકબંધ છે.

જામકંડોરણામાં મોદીએ રૂપાણીને પાસે બોલાવી વાર્તાલાપ કર્યો હતો
11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે મોદીએ જંગી સભાનું સંબોધન કર્યું હતું. ત્યારે મોદીના આગમન પૂર્વે પાટીલ સ્ટેજ પર આવ્યા તો બધા તેમની સાથે ચર્ચા કરવા પહોંચી ગયા પણ રૂપાણી તેમની જગ્યાએ બેઠા રહ્યા હતા. આ દૃશ્ય જોઇ બન્ને વચ્ચે દૂરી હોવાનું એક તબક્કે લોકોને લાગ્યું હતું. બાદમાં વડાપ્રધાન આવ્યા તો તેમના અભિવાદન માટે પણ વિજય રૂપાણી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા હતા. વડાપ્રધાને સ્ટેજ પર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને બાદમાં સી.આર.પાટીલે ભાષણ આપ્યું હતું. પાટીલે ભાષણ ચાલુ કર્યું તે જ સમયે વડાપ્રધાન મોદીએ વિજય રૂપાણીને ઈશારો કરી પોતાની પાસે બોલાવી અને તેમની સાથે ટૂંકી વાત કરી હતી.

રાજકોટની સભામાં પણ મોદી અને રૂપાણી વચ્ચે ચર્ચા થઈ હતી
19 ઓક્ટોબરે રાજકોટમાં મોદીની સભા દરમિયાન મંચ પર ગુજરાતની 20 વર્ષની વિકાસગાથા વર્ણવતી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. એ દરમિયાન મોદીએ રૂપાણીને નજીક બોલાવ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન કોઈ મુદ્દે રૂપાણીએ મોદીને કોઈ વાતની ખાતરી આપી હોય તેવું જણાય રહ્યું હતું. જેને પગલે મોદીએ પણ હકારમાં જવાબ આપ્યો હતો. જેથી રૂપાણી ફરી બેસી ગયા હતા.

PM બન્યા બાદ મોદીની ધોરાજીમાં પ્રથમ સભા
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજકોટના ધોરાજીમાં આજે પ્રથમ સભા સંબોધશે. અહીં 2017માં કોંગ્રેસે જીત મેળવી હતી. છેલ્લી ઘડી સુધી ધોરાજી બેઠક પરના ભાજપના ઉમેદવાર કોણ તે ભાજપ નક્કી કરી શક્યું નહોતું અને અંતે ભાજપે ડો. મહેન્દ્ર પાડલીયાનું નામ જાહેર કર્યું હતું અને અંતે આ બેઠક લેઉવા પટેલ વર્સીસ મહેન્દ્ર પાડલીયા એટલે કે લેઉવા વર્સીસ કડવા પાટીદાર વચ્ચે જંગ જામવાનો છે.

ઘરે જઇને વડિલોને મારા પ્રણામ રહેજો: પ્રધાનમંત્રી મોદી
સોમનાથમાં પ્રધાનમંત્રી મોદી સાથે સ્ટેજ ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પુર્વ સાંસદ ચુનિભાઈ ગોહેલ, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા પ્રમુખ દિલીપસિંહ બારડ, પુર્વ ધારાસભ્યો જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, જે.ડી.સોલંકી તથા જિલ્લાના ચારેય ઉમેદવારો માનસિંહભાઈ પરમાર, ભગવાનભાઈ બારડ, ડો.પ્રદ્યુમન વાજા, કે.સી.રાઠોડ સ્થાન અપાયું હતું. પ્રધાનમંત્રી મોદીએ 20 મિનિટનું સંબોધન કરી માછીમાર, ખેડુત અને શહેરી મતદારોને આકર્ષતું ભાષણ કર્યુ હતું. મોદીએ સભા સાંભળવા આવેલા તમામ આગેવાનો અને કાર્યકરોને પ્રચારમાં તમામ લોકોના ઘરે જઈ મારા પ્રધાનમંત્રી મોદીજીના પ્રણામ કહેવા જણાવ્યું હતું.

ચાર વર્ષ બાદ મોદી સોમનાથમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે સોમનાથ આવ્યા છે. દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરએ જઈ શીશ ઝુકાવી પુજા અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2021થી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પદે છે. વડાપ્રધાન છેલ્લે 2017માં સોમનાથ મંદિરની મુલાકાતે આવ્યા બાદ આજે ચાર વર્ષના અંતરાલ પછી આવ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને લઈ સુરક્ષા વિભાગે સોમનાથ મંદિર અને સભા સ્થળ એવા સદભાવના ગ્રાઉન્ડ ખાતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જૂનાગઢ રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ બંદોબસ્તની સતત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. આજે રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાનના બંદોબસ્તમાં રેન્જ આઇ.જી અને જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 7 એસપી, 14 ડીવાયએસપી, 30 પીઆઇ, 80 પીએસઆઇ, 1400 પોલીસ જવાનો અને 2 એસ.આર.પી ની કંપની બંદોબસ્તમાં તૈનાત છે.

વાપીમાં 11 કિમી લાંબો રોડ શો કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વલસાડ જિલ્લાના વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદવલસાડમાં જનસભાને સંબોધી હતી. વડાપ્રધાને કોઈ પક્ષનું નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવા માટે ટોળકી સક્રિય થઈ છે તેનાથી ચેતતા રહેજો.

ગુજરાતમાં ટોળકી સક્રિય થઈ છે તેનાથી ચેતતા રહેજો: પી.એમ મોદી
વડાપ્રધાને વલસાડમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ટોળકી સક્રિય થઈ છે. જે ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે જેનાથી ચેતતા રહેજો. ગુજરાતની છબિને દુનિયામાં ખરાબ કરવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને ગુજરાતમાં જે આવ્યા તેને ગળે લગાડ્યા છે, પરંતુ ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખવાનો જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેને આપણે કોઈપણ ભોગે સ્વીકારી ન શકીએ. ગુજરાતને બદનામ કરવા વાળા તત્વોને ગુજરાતમાં ક્યારે જગ્યા ન હોય.

'કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 1 GB ડેટાના 300 રૂપિયા હતા અત્યારે માત્ર 10 છે': પી.એમ મોદી
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 1 GB ડેટાના 300 રૂપિયા થતા આજે મોદીની સરકાર આવ્યા પછી માત્ર 10 રૂપિયા જ થાય છે. આ પૈસા તમારા બચ્યા કે નહીં. અત્યારે તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો.તેમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હશો.જો પહેલાની સરકાર હોત તો તમારું મોબાઈલનું બિલ ચારથી પાંચ હજાર રૂપિયા દર મહિને આવતું હોત.

યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો
જે પ્રથમવાર મતદાન કરવાના છે તેમને વડાપ્રધાને કહ્યું હતું કે, તમે હવે 18 વર્ષ પૂર્ણ કરી મતનો અધિકાર મેળવ્યો છે તેમ નથી પણ તમે ગુજરાતના નીતિ નિર્ધારક બન્યા છો. મારા નવા જુવાનિયાઓ છે જે પ્રથમવાર મતદાન કરવાના છે તેમને મારે કહેવું છે કે, તમે એવી જવાબદારી ઉપાડી લો કે 25 વર્ષનું ભારત કેવું હોવું જોઈએ તેનો નિર્ણય તમારા મતમાં પડ્યો છે. આ ચૂંટણીમાં જે પ્રથમવાર મત આપવાના છે તેને મારો વિશેષ આગ્રહ છે. ગુજરાતનો યુવાન રોજગાર માગનારો નહીં પણ રોજગાર આપનારો બની રહ્યો છે.

ત્રણ દિવસમાં ગુજરાતમાં વડાપ્રધાનનું રોકાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજથી ત્રણ દિવસ સુધી વડાપ્રધાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર કરશે. વલસાડ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચ, બોટાદ અને નવસારી જિલ્લામાં જનસભાને સંબોધિત કરશે.

અન્ય સમાચારો પણ છે...