ગીર સોમનાથ કલેકટરને આવેદન:તાલાલા-વેરાવળ સ્ટેટ હાઇવેને પહોળો કરવાની ખોરંભે ચડેલ કામગીરી તાત્કાલીક શરૂ કરવા ત્રણ ગ્રામ પંચાયતોની માગ

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

તાલાલા-વેરાવળ સ્ટેટ હાઇવે માર્ગને પહોળો કરી નવો બનાવવા તથા આ માર્ગ પર ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ નદી ઉપર પુલ બનાવવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ લાંબા સમયથી આપવામાં આવેલ છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર એજન્સી ગોકળગાયની ગતીએ કામગીરી કરતી હોવાના પાપે લાંબો સમય વિતી ગયો હોવા છતાં કામગીરી ખોરંભે ચડી હોય તેમ પૂરી થતી નથી. ત્યારે કોન્ટ્રાક્ટર એજન્સી ઉપર બાંધકામ વિભાગના બાબુઓના ચાર હાથ હોવાના કારણે જવાબદારો સમયસર કામગીરી પુરી કરાવવા તસ્દી ન લેતા હોવાનો આક્ષેપ પંથકવાસીઓ કરી રહ્યા છે. જેને વાંચા આપવા માટે ત્રણ ગામ પંચાયતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હાઈવેની કામગીરી ઝડપભેર પૂર્ણ કરાવવા અન્યથા કોન્ટ્રાક્ટર એજન્સી રદ કરવા માંગણી કરી છે.

સોમનાથ જિલ્લા કલેકટરને સંયુક્ત આવેદન
તાલાલા-વેરાવળ માર્ગ બંન્ને તાલુકાની પ્રજા તથા સાસણગીર, સોમનાથ જેવા પર્યટન સ્થળોની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. આ ઉપરાંત આ હાઈવે ઉપર જિલ્લા કલેકટર, પોલીસવડા, જિલ્લા પંચાયત સહિત અનેક જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે. ત્યારે આ હાઈવેની ખોરંભે ચડેલ કામગીરી અંગે પંથકના ઘુંસિયા ગીર, માલજીંજવા ગીર અને ઉમરેઠી ગ્રામ પંચાયતોએ ગીર સોમનાથ જિલ્લા કલેકટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવેલ છે.

હાઈવેની કામગીરી તાત્કાલીક ધોરણે શરૂ કરવા માગ
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાલાલા-વેરાવળ માર્ગની કામગીરી તાત્કાલીક ધોરણે શરૂ કરાવો અથવા એજન્સી કેન્સલ કરી નવી એજન્સી મારફત હાઈવેની ખોરંભે ચડેલ કામગીરી શરૂ કરાવવા માંગણી કરી છે. આ હાઈવેની ખોરભે ચડેલ કામગીરીના કારણે સ્થાનીક ઉપરાંત જિલ્લાભરમાંથી સરકારી કામકાજ અર્થે આવતા લોકોને તથા દુર દુરથી સોમનાથ, સાસણ આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાની રચના થઈ ત્યારથી જ આ હાઈવેની કામગીરી ગોકળગતીએ થઈ રહી હોવા છતાં જવાબદારો કોઈ ધ્યાન આપી રહ્યા નથી. જેના કારણે અન્ય રાજ્યોમાંથી ફરવા આવતા પ્રવાસીઓ ગુજરાતની ખરાબ છાપ લઈને પરત ફરી રહ્યા છે. જેને ઘ્યાને રાખી હાઈવેની કામગીરી તાત્કાલીક ધોરણે શરૂ કરાવી પુરી કરાવવા આવેદનપત્રના અંતમાં ત્રણેય ગ્રામ પંચાયતોએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...