ગીર સોમનાથમાં દારુ ઘુસાડવાનો નિષ્ફળ પ્રયાસ:LCBએ બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું; ટ્રકના ચોરખાનામાંથી 5.27 લાખનો દારુ ઝડપ્યો

ગીર સોમનાથ (વેરાવળ)એક મહિનો પહેલા

ગીર સોમનાથ જિલ્લામાં ટ્રકમાં બનાવાયેલ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઘુસાડવાનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. જેમાં ટ્રકમાં ચોરખાનામાંથી મળી આવેલ વિદેશી દારૂની 2939 બોટલો કી.રૂ.5.27 લાખ તથા ટ્રક મળી કુલ રૂ.20.28 લાખના મુદામાલ સાથે ઉના પંથકના રહેવાસી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. જ્યારે દારૂ ભરાવી આપનાર અને હેરાફેરીમાં સંડોવાયેલ ત્રણ શખ્સોના નામ પૂછપરછમાં સામે આવ્યા છે. જેના આધારે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી બાકીના ત્રણેયને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલ દારૂનો જથ્થો વાપીના સેલવાસથી ભરાયેલ હોવાનું સામે આવ્યુ છે.

ગીર સોમનાથ જિલ્લામાં મોટીમાત્રામાં વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસને LCBએ નિષ્ફળ બનાવી દીધો છે. જેની પ્રાપ્ત વિગત મુજબ જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા હોવાથી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટ્રક નં. GJ 11 X 8823માં દારૂનો જથ્થો ભરીને કોડીનાર તરફ જઈ રહ્યો છે. જેના આધારે એલસીબી પીઆઈ એસ.એલ. વસાવાએ સ્ટાફને સાથે લઈ કોડીનાર બાયપાસ પાસે હોટલ મુરલીધર પાસે પહોંચેલ તે સમયે બાતમી મળેલ ટ્રક ત્યાં જોવા મળેલ હતો. જેથી પોલીસ સ્ટાફે ટ્રકમાં તપાસ કરતા ડ્રાઈવર કેબીનની પાછળ એક ઉભા ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા 110 પેટીમાં 2939 વિદેશી દારૂની બોટલો કી. રૂ.5,27,600 નો જથ્થો હોવાનું જણાવેલ હતું.

જે અંગે સ્થળ પર હાજર ટ્રકના ડ્રાઈવર ગોપાલ રામજી રાઠોડ અને કલીનર અમરસિંહ દાના ડોડીયાને પૂછતાં તેઓ સંતોષકારક જવાબ આપતા ન હતા. જેથી બંન્નેની પોલીસે આગવીઢબે પુછપરછ હાથ ધરતા ડોળાસાના અશ્વિન દાહીમાએ વાપીના સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરાવડાવેલ હતો. આ જથ્થો સોમનાથ લઈ જવાનું કહેલ હોવાનું જણાવ્યુ હતુ. જેના આધારે એલસીબીએ પકડાયેલ ગોપાલ રામજી રાઠોડ રહે.દેલવાડા-ઉના તથા અમરસિંહ દાના ડોડીયા રહે.અંજાર-ઉના તથા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અને હાલ નાસી ગયેલ ડોળાસાના અશ્વિમ દાહીમા, તાલાલાના હુસેન બાદશાહ, ઉનાના અંજાર ગામના રમેશ બાબુ વંશ સામે રૂ.5.27 લાખના દારૂ, 15 લાખના ટ્રક મળી કુલ રૂ.20.28 લાખનો મુદામાલ જપ્ત કરી પાંચેય સામે પ્રોબિશન એકટ હેઠળ ગુનો નોંધેલ છે.

આ અંગે એલસીબીના પીઆઈ એસ.એલ.વસાવાએ જણાવેલ કે, જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ બુદ્ધિપૂર્વક કોઈનું ધ્યાન ન પડે તે રીતે ટ્રકમાં ડ્રાઈવર કેબીનની પાછળના ભાગે ઉભું કેબીન સાઈઝનું જ મોટું ચોરખાનું બનાવેલ અને તે ઢાંકવા માટે લોખડના પતરાનો દળવાજો બનાવેલ જેનો આકાર પણ કેબીનના પાછળના ભાગ જેવો જ બનાવ્યો હતો. જેથી ટ્રકમાં જોઈએ તો કોઈને ખબર જ ન પડે કે ત્યાં ચોરખાનું હશે. જો કે અમોને ખાનગીરાહે ચોક્કસ બાતમી હતી કે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવી લઈ આવી રહેલ છે. જેથી અમારી ટીમએ ચોક્સાઈ પુર્વક તપાસ કરતા ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવેલ હતો.

વધુમાં પીઆઈ વસાવાએ જણાવેલ કે, દારૂના જથ્થા સાથે પકડાયેલ બંન્ને શખ્સોતો ડ્રાઈવર અને કલીનર હોવાની જ ભૂમિકા અત્યાર સુધીની તપાસમાં સામે આવી છે. જ્યારે તાલાલાનો હુસેન બાદશાહ પણ દારૂની હેરાફેરીમાં સામેલ અને કલીનર તરીકે સેલવાસથી અડધે સુધી સાથે હતો. જ્યારે ડોળાસાના અશ્વિન દાહીમાએ સેલવાસથી દારૂ ભરાવેલ હતો. જ્યારે રમેશ બાબુ વંશની માલિકીનો ટ્રક હોવાનું સામે આવ્યુ છે. હાલ આ ત્રણેય ફરાર હોય તેઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ત્રણેય પકડાયા પછી અહીં કોને દારૂ આપવાનો હતો સહિતની વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...