વેરાવળ તાલુકાના ભેટાળી ગામે દોઢેક વર્ષ પહેલા પરિવારના સભ્યોએ પુત્રવધુને શારીરિક અને માનસીક ત્રાસ આપી મેણા ટોણા મારી પાણીના ગ્લાસમાં ઝેરી દવા નાખી મારી નાખવાના ઇરાદે પીવડાવેલ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. આ કેસ વેરાવળની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આ કેસની વિગત આપતા એડવોકેટ બી.એમ.પુરોહીતે જણાવેલ કે, મુળ તાલાળા ગીર તાલુકાના ગુંદરણ ગામના રહીશ સુભાષભાઈ સાજણભાઈ ચાવડાની પુત્રી ભારતીબેનના લગ્ન વેરાવળ તાલુકાના ભેટાળી ગામે મહેશભાઈ તેજાભાઈ જાદવ સાથે થયેલા હતા. તેણીએ તેના સસરા તેજાભાઈ દાનાભાઈ જાદવ, સાસુ જીવીબેન તેજાભાઈ જાદવ, કનકસિંહ ઉર્ફે કનુભાઈ ઉકાભાઈ જાદવ, ડાયાભાઈ દાનાભાઈ જાદવ, રાણીબેન ટપુભાઈ જાદવ રહે.ભેટાળીએ માર્ચ 2021માં ભેગામળીને એક બીજાની મદદગારી કરી શારીરિક અને માનસીક દુ:ખ ત્રાસ આપી મેણા ટોણા મારી અને પાણીના ગ્લાસમાં ઝેરી દવા નાખી મારી નાખવાના ઈરાદે પીવડાવેલ હોવાની ફરીયાદ ભારતીબેનએ જુનાગઢ વડાલીયા ઈન્સેટીવ કૈર હોસ્પીટલના બીછાનેથી નોંધાવેલ હતી.
આ કેસ વેરાવળ સેશન્સ કોર્ટના આરોપી સાસરીયાઓના વકીલ બી.એમ.પુરોહીતની ધારદાર દલીલોને ઘ્યાને લઈ તહોત્મદારોને આગોતરા જામીન આપેલ હતા. બાદમાં કોર્ટમાં કેસ આગળ ચાલતા વકીલ બી.એમ.પુરોહીતની ઉલટ તપાસ તથા કાયદાની અને હકિકતની ધારદાર દલીલો કરતા સેશન્સ જજ પી.જી.ગોકાણીએ આરોપીઓને નિર્દોષ ઠેરવી છોડી મુકેલા છે. આ કેસનો ચુકાદો એક વર્ષથી ઓછા સમયમાં આવેલ હોવાનું એડવોકેટએ અંતમાં જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.