વેરાવળમાં સરાજાહેર ફાયરિંગ કરી યુવકની હત્યા કરનાર આરોપીએ ઉત્તરપ્રદેશથી હથિયાર લીધું હોવાનું કબૂલાત આપી હતી. જેના આધારે સ્થાનિક પોલીસની ટીમે ઉત્તરપ્રદેશ જઈ આરોપીને ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને કાર્ટુસ આપનાર શખ્સની ઝડપી પાડ્યો હતો. તેને અત્રે લઈ આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળમાં પંદરેક દિવસ પહેલા બસ સ્ટેશન વિસ્તારમાં પિસ્તોલ થકી સરાજાહેર ફાયરિંગ કરીને રમેશ ગોવાળીયાએ નિતેશ કટારીયાની હત્યા કરી હતી. જેમાં પાંચેક દિવસ પહેલા આરોપી રમેશને હરિદ્વારથી ઝડપી લાવીને રિમાન્ડ ઉપર લઈ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળેલી વિગત અંગે તપાસનીસ પીઆઈ એસ.એમ. ઈશરાણીએ જણાવ્યું હતું કે, ફાયરિંગ કરનાર આરોપી રમેશ ગોવાળીયો સપ્ટેમ્બર'22 માં બોલેરો પીકઅપ વાહન લઇ ઉતરપ્રદેશ ગયો હતો. ત્યારે ત્યાં ઝાંસી - કાનપુર રોડ ઉપર ઉસરગામ નજીકના એક પંજાબી ઢાબા ઉપરથી શૈલેન્દ્ર પ્રતાપસિંહ નામના યુવક પાસેથી 50 હજાર રૂપિયામાં પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ કાર્ટૂસ ખરીદ્યું હોવાનું જણાવ્યું હતુ.
જેના આધારે પીએસઆઈ એ.સી.સિંધવ, દેવદાન કુંભરવાડીયા, પ્રતિપાલસિંહ ગીગાભાઇ, વિશાલ ગળચર, પ્રવિણ હમીરભાઇ સહિતનાની પોલીસ ટીમને આરોપી રમેશ ઉર્ફે ગોવાળીયાના જણાવ્યા મુજબ ઉતરપ્રદેશ મોકલવામાં આવી હતી. આ ટીમે ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લાના કાલપી ગામ ખાતેથી હથિયાર આપનાર આરોપી શૈલેન્દ્ર પ્રતાપસિંહ જાધોનને ઝડપી પાડી અત્રે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.