તંત્ર ઘોર નિંદ્રામાં:તાલાલા-ઘુસીયા માર્ગને પહોળો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત થયા બાદ પણ કામગીરી ઠપ; રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા પ્રજાની માગ

ગીર સોમનાથ (વેરાવળ)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથના તાલાલા ગીરથી સોમનાથ જતાં 25 કિમીનો મુખ્ય માર્ગ 9.75 મીટર પહોળો પેવરથી પાકો બનાવવામાં આવશે. આ પૈકીનો તાલાલા શહેરમાંથી પસાર થતો તાલાલાથી ઘુંસિયા ગીર ગામ સુધીનો 5 કિમીનો માર્ગ 10 મીટર પહોળો બનાવવા રાજય સરકારે વધારાની રૂ.3 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. બાદમાં આ માર્ગનું ધાર્મિક મંત્રોચ્ચાર વિધિ સાથે ભૂમિપૂજન કરી કામગીરીનો પ્રારંભ પણ થયો હતો. પરંતુ પ્રજા અને પ્રવાસીઓ માટે અતિ ઉપયોગી એવા આ રસ્તાની કામગીરીને જાણે કોનું ગ્રહણ લાગી ગયું હોય તેમ ભુમીપુજન બાદ કામગીરી બંધ થઈ જતા પ્રજા તથા પ્રવાસીઓની પરેશાની વધી ગઈ છે. આ રસ્તો પ્રખ્યાત પર્યટન સ્થળ સાસણ ગીર અને સોમનાથ મંદિરને જોડતો ટુરીસ્ટ સર્કીટનો હોવાથી કાયમી ટ્રાફીકથી ધમધમતો રહેતો હોવાથી મહત્વનો છે.

દેશના અન્ય રાજ્યોમાંથી ફરવા અર્થે આવતા પ્રવાસીઓને તાલાલા, સાસણ ગીર, સોમનાથ અને દીવ ફરવા જવા માટે આ રસ્તો આશીર્વાદ સમાન છે. આ રસ્તા ઉપર ચોમાસામાં ભારે વરસાદ પડવા સમયે વારંવાર પરીવહન સેવા ખોરવાઈ જતી હોવાની સમસ્યા સર્જાતી હતી. જેને ધ્યાને લઈ સરકારે જે જગ્યાએ ચોમાસાનું પાણી ભરાય છે તેવો અંદાજે બે હજાર મીટર માર્ગ પાકો સિમેન્ટથી બનાવી લોકોની સમસ્યાનો કાયમી સુખરૂપ નિવારણ લાવવા રૂ.3 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવી હતી. પંથકવાસીઓ આ ગ્રાન્ટથી આનંદવિભોર થઈ ગયા હતા. પરંતુ આ રસ્તાને પહોળો કરવાની કામગીરી ભૂમિ પૂજન બાદ શરૂ થયેલ હતી. તેના થોડા દિવસો બાદ આ કામગીરીને જાણે કોઈનું ગ્રહણ લાગી જતા પ્રજા તથા પ્રવાસીઓ નિરાશ થઈ ગયા છે અને તેઓની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.

ત્યારે નજીકના દિવસોમાં દિવાળીનું મીની વેકેશન શરૂ થવાનું હોય તેવા સમયે પર્યટકોનો ભારે ઘસારો સોમનાથ, સાસણ ગીર અને દિવમાં રહે છે. જે પરિસ્થિતિને ધ્યાને લઈ જવાબદાર બાંધકામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ માર્ગની પહોળાઈ સહિતની નવીનીકરણની કામગીરી તુરંત શરૂ કરાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...